બ્રિટનમાં માતાની હત્યાના આરોપમાં ભારતીય મૂળના વ્યક્તિને આજીવન કેદ

લંડન: 48 વર્ષીય ભારતીય મૂળના સિનદીપ સિંહને તેની માતાની હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. 76 વર્ષીય ભજન કૌરની પૂર્વી ઈંગ્લેન્ડના લેસ્ટરમાં તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. આ દુ:ખદ ઘટના 13 મેના રોજ બની હતી. ઘટનાસ્થળે પહોંચેલી લેસ્ટરશાયર પોલીસને ભજન કૌર માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ સાથે મળી હતી. લેસ્ટર ક્રાઉન કોર્ટમાં 16 દિવસની ટ્રાયલ પછી, સિનદીપ સિંહને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.ઇસ્ટ મિડલેન્ડ્સ સ્પેશિયલ ઓપરેશન્સ યુનિટ મર્ડર ઇન્વેસ્ટિગેશન ટીમના ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર માર્ક સિન્સ્કીએ આ કેસને “ખૂબ જ વિચલિત કરનાર” તરીકે વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે, “માતાની હત્યા કર્યા પછી, સિનદીપ સિંહ બહાર ગયો અને માતાના શરીરને બગીચામાં દફનાવવા માટે એક કોથળો અને કોદાળી ખરીદ્યા. તેનો ઈરાદો માતાના મૃતદેહને દફનાવવાનો હતો. પરંતુ તે આ કામને અંજામ આપે તે પહેલા જ તે પરેશાન થઈ ગયો. ઘર સાફ થઈ ગયું હતું અને તેમાંથી ખૂબ જ તીવ્ર ગંધ આવી રહી હતી.”અધિકારીએ જણાવ્યું કે જ્યારે અમે સૌપ્રથમ સિનદીપ સિંઘનો સંપર્ક કર્યો, ત્યારે તેણે ખોટી માહિતી આપી અને આ ઘટનામાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો. જો કે, આગળની તપાસમાં જાણવા મળ્યું કે તે ઘરની માલિકી અંગે અવાર-નવાર માતા સાથે ઝઘડો કરતો હતો. મોટા ભાગે સિનદીપ સિંઘ ઘરના ડ્રાઇવ વે કે કારમાં જ રહેતો હતો.જો કે જે દિવસે તેણે માતાની હત્યા કરી તે દિવસે માતાએ તેને ઘરમાં આવવા દીધો હતો. આ ઉપરાંત CCTV ફૂટેજ પરથી જોઈ શકાય છે કે હત્યાના દિવસે સિનદીપ સિંઘ ઘર નજીકની દુકાનમાંથી એક કોથળો અને કોદાળી ખરીદી રહ્યો છે. ભજન કૌરનો સંપર્ક ન થતાં તેમના બીજા સંબંધીઓએ પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે તેઓએ જોયું કે ઘરના પાછળના બગીચામાં જમીન ખોદવામાં આવી હતી.