પેરિસ: ભારત અને સ્પેન વચ્ચે આજે પેરિસ ઓલિમ્પિકસમાં બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાઈ. જેમાં ભારતનો શાનદાર 2-1થી વિજય થયો હતો. આ ભવ્ય વિજય સાથે ભારતે 52 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન કરી પોતાના રેકોર્ડની બરાબરી કરી છે. 52 વર્ષ પહેલા ભારત હોકીમાં 1968 અને 1972માં સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યું હતું. આ વખતે ફરીથી ભારત પાસે આ રેકોર્ડની બરાબરી કરવાની તક હતી. કારણ કે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારત બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. એ સમયે ભારતે બ્રિટનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે સ્પેનને હરાવી ભારત સતત બીજી વાર બ્રોન્ઝ મેડલ જીત્યું છે.
ઓલિમ્પિક ઇતિહાસમાં ભારતને સૌથી વધુ સફળતા હોકીમાં મળી છે. હોકીમાં ભારતનો આ ચોથો બ્રોન્ઝ મેડલ છે. ઉપરાંત ભારતે હોકીમાં સૌથી વધુ આઠ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પણ જીત્યા છે. ભારતે 1928થી 1956 સુધી સતત છ ગોલ્ડ મેડલ જીત્યા હતા. 1960થી 1972 સુધી ભારતે હોકીમાં સતત ચાર મેડલ જીત્યા હતા. પછી 1976માં ભારત મેડલ જીતવામાં ચૂકી ગયો હતો. જો કે, 1980માં ભારતે ગોલ્ડ મેડલ જીતી ફરી વાપસી કરી હતી.1980 બાદ ઓલિમ્પિકમાં હોકીમાં ભારતીય ટીમના મેડલ જીતવા પર 40 વર્ષ સુધી દુષ્કાળ રહ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતીય ટીમ આ દુષ્કાળનો અંત લાવી હતી. હવે હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી સતત બીજી વાર મેડલ જીતી 52 વર્ષ બાદ ઇતિહાસ રચ્યો છે.