વાયુસેનાનું મોટું નિવેદન, ‘ઓપરેશન હજુ પણ ચાલુ’

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેના તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતીય વાયુસેનાનું કહેવું છે કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ અંગેની માહિતી આગામી સમયમાં આપવામાં આવશે. વાયુસેનાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ X પર આ માહિતી આપી છે.

X પર ઓપરેશન ચાલુ રાખવાની માહિતી આપતાં, ભારતીય વાયુસેનાએ લખ્યું, ‘ભારતીય વાયુસેના (IAF) એ ઓપરેશન સિંદૂરમાં તેના સોંપાયેલા કાર્યોને ચોકસાઈ અને વ્યાવસાયિકતા સાથે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ કામગીરી રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને અનુરૂપ વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક હાથ ધરવામાં આવી હતી. કામગીરી હજુ ચાલુ હોવાથી, યોગ્ય સમયે વિગતવાર માહિતી આપવામાં આવશે. ઉપરાંત ભારતીય વાયુસેનાએ તમામ અટકળો અને અપ્રમાણિત માહિતીના પ્રસારથી દૂર રહેવા અપીલ કરી છે.

ભારતે 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ, ત્રણેય સેનાઓએ મળીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થાપિત 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આના જવાબમાં, ગભરાયેલા પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર ભારે ગોળીબાર કર્યો અને ડ્રોન હુમલો કર્યો. જોકે, ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તમામ પાકિસ્તાની ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા. આ પછી, ભારતે વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાન પર અનેક હુમલા કર્યા, જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું.