ભારત 36 કલાકમાં કરશે હુમલોઃ પાકિસ્તાની મંત્રી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન સતત વધી રહ્યું છે. ભારતની કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે મોડી રાત્રે પત્રકાર પરિષદ યોજી હતી.

તેમણે દાવો કર્યો હતો કે અમને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી છે કે ભારત આગામી 24થી 36 કલાકમાં લશ્કરી હુમલો કરી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે PM મોદીએ મંગળવારે આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ માટે સશસ્ત્ર દળોને છૂટ આપી હતી. જેથી તેઓ પહલગામ હુમલાના ગુનેગારો અને તેમના સાથીઓને સજા આપી શકે. આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

પાકિસ્તાનના માહિતી મંત્રી તરારે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે પાકિસ્તાન પાસે વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારત પહેલગામ ઘટનાને ખોટા બહાના તરીકે ઉપયોગ કરીને આગામી 24થી 36 કલાકમાં સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે કોઈ પણ આક્રમક કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. પાકિસ્તાન પોતે આતંકવાદનો ભોગ બન્યું છે અને આ કટોકટીના દુ:ખને ખરેખર સમજે છે. અમે હંમેશાં દુનિયા સમક્ષ આતંકવાદની નિંદા કરી છે. તેમમે કહ્યું હતું કે પાકિસ્તાને સત્ય બહાર લાવવા માટે નિષ્ણાતોના તટસ્થ કમિશન દ્વારા વિશ્વસનીય, પારદર્શક અને સ્વતંત્ર તપાસની અમે દિલથી ઓફર કરી છે. પાકિસ્તાની મંત્રીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને પરિસ્થિતિની ગંભીરતાને સમજવા પણ અપીલ કરી છે.