ભારતે 15 ઓગસ્ટે અલાસ્કામાં યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની પ્રસ્તાવિત શિખર સંમેલનનું સ્વાગત કર્યું છે. આ બેઠકને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના અંત અને શાંતિ તરફ એક મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલય (MEA) એ શનિવારે જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત 15 ઓગસ્ટે અલાસ્કામાં યોજાનારી અમેરિકા અને રશિયા વચ્ચેની બેઠકનું સ્વાગત કરે છે. આ બેઠક યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા અને શાંતિ માટે શક્યતાઓ ખોલવાનું વચન આપે છે.
નિવેદનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને પણ પુનરાવર્તિત કરવામાં આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે “આ યુદ્ધનો યુગ નથી.” મંત્રાલયે કહ્યું હતું કે ભારત આ રાજદ્વારી પ્રયાસને સંપૂર્ણ સમર્થન આપે છે અને શાંતિ પહેલમાં યોગદાન આપવા તૈયાર છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, “જેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા પ્રસંગોએ કહ્યું છે – ‘આ યુદ્ધનો યુગ નથી.’ ભારત આ આગામી શિખર સંમેલનને સમર્થન આપે છે અને આ પ્રયાસોને સમર્થન આપવા માટે આતુર છે.”
આ બેઠકની જાહેરાતના એક દિવસ પહેલા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને વેપાર, અર્થતંત્ર અને રોકાણમાં સહયોગ સહિત મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. બુધવારે યુએસ રાષ્ટ્રપતિના ખાસ દૂત સ્ટીવ વિટકોફ સાથેની વાતચીત બાદ પુતિને મોદીને યુક્રેનમાં થયેલા વિકાસ અને આગામી યુએસ-રશિયા શિખર સંમેલન વિશે પણ માહિતી આપી હતી.
