નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે બુધવારે નવી દિલ્હીમાં પાકિસ્તાનના ટોચના રાજદ્વારીને બોલાવ્યા હતા. એ દરમિયાન ભારતે સમુદ્રમાં પાકિસ્તાની નૌસેનાના યુનિટ્સના ‘બિનવ્યાવસાયિક’ વલણ સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. મંગળવારે સાંજે ઉત્તર અરબી સમુદ્રમાં ભારતીય નૌસેનાના એક યુદ્ધજહાજ અને પાકિસ્તાની નૌસેનાના એક જહાજ વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે પાકિસ્તાની જહાજ ઝડપથી ભારતીય જહાજની નજીક આવી ગયું હતું.આ ટક્કરથી પાકિસ્તાની જહાજને નુકસાન થયું છે. 
શું થયું હતું?
ભારતીય યુદ્ધજહાજ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં દેખરેખના મિશન પર હતું ત્યારે પાકિસ્તાની નૌસેનાનું જહાજ તેની નજીક આવી ગયું હતું. ભારત સરકારના જણાવ્યાનુસાર પાકિસ્તાની જહાજને ‘બિનવ્યાવસાયિક’ અને અસુરક્ષિત રીતે ચલાવવામાં આવી રહ્યું હતું અને તેને કારણે બંને જહાજો વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નહોતું. તેમ છતાં ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાનના ટોચના રાજદ્વારીને બોલાવીને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ ઘટના ભારત-પાકિસ્તાન વચ્ચેના એક કરારનું ઉલ્લંઘન છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં બનેલી આ ઘટનાથી કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ પાકિસ્તાની નૌસેનાના જહાજનું વલણ એપ્રિલ, 1991માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય અભ્યાસ, યુદ્ધાભ્યાસ અને સૈનિકોની અવરજવર અંગે અગાઉથી માહિતી આપવાના કરારના અનુચ્છેદ 10નું સીધું ઉલ્લંઘન હતું. મંત્રાલયના જણાવ્યાનુસાર ભારત સરકારે પાકિસ્તાની રાજદ્વારીને કહ્યું છે કે તેઓ આ સંદેશ સંબંધિત પાકિસ્તાની અધિકારીઓ સુધી પહોંચાડે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ સૈન્ય યુનિટ્સે સાવચેતી રાખવી જોઈએ. આ સાથે બંને દેશો વચ્ચે થયેલા સંબંધિત કરારોની જોગવાઈઓનું પણ સન્માન કરવું જોઈએ. સરકારે ઇસ્લામાબાદમાં ભારતના ટોચના રાજદ્વારીને પણ આ મામલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ વિરોધ નોંધાવવા માટે નિર્દેશ આપ્યો છે.




