ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર સ્થાન ગણાતા સાઉદી અરેબિયાના મક્કા શહેર નજીક થયેલા ડ્રોન હુમલાને લઈને વૈશ્વિક સ્તરે રાજકીય ગરમાવો આવી ગયો છે. આ મામલે ભારતના વિદેશ મંત્રાલયે (MEA) સત્તાવાર નિવેદન આપી આ હુમલાને આકરા શબ્દોમાં ફગાવી દીધો છે અને ક્ષેત્રીય શાંતિ માટે તેને મોટો ખતરો ગણાવ્યો છે.
વિદેશ મંત્રાલયનું કડક નિવેદન
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યા અનુસાર, “મક્કા નજીક થયેલા ડ્રોન હુમલાના અહેવાલોથી ભારત અત્યંત ચિંતિત છે. સાઉદી અરેબિયાના સાર્વભૌમ ક્ષેત્ર પર થતા આવા હુમલાઓ, નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ અને પાયાના માળખા (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) ને નિશાન બનાવવાની ઘટનાઓની ભારત કડક ટીકા કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મક્કા શહેર વિશ્વભરના કરોડો મુસ્લિમો માટે ખાસ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે, તેથી આ સ્થાન નજીક બનેલી ઘટના વિશેષરૂપે ચિંતાજનક છે. ભારત આ ક્ષેત્રમાં વહેલી તકે શાંતિ અને સ્થિરતા સ્થપાય તેવી આશા રાખે છે.

રાતા સમુદ્ર (Red Sea) અને દરિયાઈ સુરક્ષા અંગે આશંકા
પરિસ્થિતિ પર પ્રકાશ પાડતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે રાતા સમુદ્ર વિસ્તારમાં વણસી રહેલી પરિસ્થિતિ ભારતના આર્થિક અને દરિયાઈ હિતો માટે પણ ચિંતાનો વિષય છે. સાઉદી અરેબિયાના નાગરિક અને આર્થિક સંપત્તિઓ પર થતા હુમલા બાબ-અલ-મંદેબ (Bab-el-Mandeb) સમુદ્રધૂનીમાંથી પસાર થતાં જહાજોની મુક્ત અવરજવર માટે જોખમ ઊભું કરે છે. વિદેશ મંત્રીએ તાજેતરમાં બ્રિક્સ (BRICS) શિખર સંમેલન દરમિયાન પણ સાઉદીના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી આ પ્રાદેશિક સુરક્ષા મામલે વિગતવાર ચર્ચા કરી હતી.
સાઉદી અરેબિયાનો દાવો અને ‘લક્ષ્મણ રેખા’ની ચેતવણી
સાઉદી અરેબિયાએ ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરો પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે. સાઉદી એર ડિફેન્સ ગ્રાઉન્ડ ફોર્સે દાવો કર્યો છે કે મક્કાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે તે પહેલાં જ આ ડ્રોનને આકાશમાં જ તોડી પાડવામાં આવ્યું હતું. સાઉદી સત્તાવાળાઓએ મક્કા અને તેના પવિત્ર સ્થળોની સુરક્ષાને પોતાની ‘લક્ષ્મણ રેખા’ (Red Line) ગણાવી છે. બીજી તરફ, યમન સરહદથી આશરે ૧,૧૦૦ કિલોમીટર દૂર આવેલા મક્કા તરફ ડ્રોન છોડવાના આ આરોપોને હુથી બળવાખોરોએ ફગાવી દીધા છે.
વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર સાઉદી અરેબિયા પર સતત થતા હુમલાઓને કારણે મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ભારતનું આ સ્પષ્ટ સ્ટેન્ડ પ્રાદેશિક સ્થિરતાના સમર્થનમાં મહત્વનું માનવામાં આવે છે.



