દિલ્હીના જંતર-મંતર સહિત દેશના વિવિધ ભાગોમાં યોજાયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિદ્યાર્થી પ્રદર્શનોને પાકિસ્તાનના કેટલાક Gen Z યુવા જૂથો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા બાદ ભારત સરકારે તીખી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) ના સત્તાવાર પ્રવક્તા રણધીર જેસવાલે એક મીડિયા બ્રીફિંગ દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પાકિસ્તાને ભારતના આંતરિક વિષયો પર ટિપ્પણી કરવા કે ધ્યાન આપવાને બદલે તેના દેશ દ્વારા ચલાવવામાં આવતા સીમાપાર આતંકવાદને નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
વિદેશ મંત્રાલયનો પાકિસ્તાન પર આકરો પ્રહાર
રણધીર જેસવાલે જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાન દાયકાઓથી ભારત સામે સીમાપાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારતની જનતા અને યુવાનો (જેમાં Gen Z પણ સામેલ છે) એ માંગ કરી રહ્યા છે કે પાકિસ્તાન આ આતંકવાદી ગતિવિધિઓને તાત્કાલિક બંધ કરે. બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિત અંદ્રાબીએ આ મામલે સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા આને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો. આમ છતાં, પાકિસ્તાનના અનેક યુવાનોએ સોશિયલ મીડિયા પર CJP પ્રોટેસ્ટના સમર્થનમાં એકજૂથતાના મેસેજ શેર કર્યા હતા અને ભારત-પાકિસ્તાનના સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો.
સિંધુ ખીણની સંસ્કૃતિના દાવાઓ ફગાવાયા
મીડિયા બ્રીફિંગ દરમિયાન પાકિસ્તાન દ્વારા તાજેતરમાં સિંધુ ખીણની સંસ્કૃતિ (Indus Valley Civilization) ના સહિયારા વારસા પર કરવામાં આવેલા દાવાઓ અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં રણધીર જેસવાલે કહ્યું કે, જે દેશ દાયકાઓથી આતંકવાદ, ધાર્મિક કટ્ટરતા અને હિંસાને પ્રોત્સાહન આપે છે, તે કોઈ પણ બહુલવાદી સાંસ્કૃતિક વારસા પર પોતાનો દાવો કરી શકે નહીં. લઘુમતીઓના અધિકારોની સુરક્ષાના મામલે પાકિસ્તાનનો રેકોર્ડ અત્યંત ખરાબ છે, જેથી તેના આવા દાવાઓ માત્ર દેખાડો સાબિત થાય છે.
સિંધુ જળ સંધિ અને અગાઉનો વિવાદ
નોંધનીય છે કે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારે સિંધુ ખીણની સંસ્કૃતિને પાકિસ્તાનની રાષ્ટ્રીય ઓળખનો હિસ્સો ગણાવી હતી. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું હતું જ્યારે ગયા વર્ષના એપ્રિલ મહિનામાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) ને સ્થગિત કરી દીધી હતી. તે આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા. ભારતે સતત એ વાત દોહરાવી છે કે પાકિસ્તાન પોષિત સીમાપાર આતંકવાદા કારણે આ સંધિની મૂળ ભાવનાને નુકસાન પહોંચ્યું છે અને આતંકવાદ તથા પાણીની વાટાઘાટો એકસાથે ચાલી શકે નહીં.




