આ દેરાસરની પ્રતિમાના દર્શન માટે સોના મહોર આપવી પડતી

અમદાવાદ શહેરના વેપાર રોજગારથી ધમધમતા વિસ્તારમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યોની ધરોહર સચવાયેલી છે. જેમાં એકલા જૈન ધર્મના 600થી વધારે નાના-મોટા દેરાસરો આવેલા છે. લાકડામાં અદભુત કોતરણી, પત્થરોની કોતરણી સાથેની મૂર્તિઓ, સ્થાપત્ય, હસ્તપ્રતો આખાય વિશ્વમાં પ્રસિધ્ધ છે.

એમાંનું એક ભવ્ય દેરાસર હાલની મોબાઇલ, ઇલેકટ્રિક, ઇલેકટ્રોનિક માર્કેટની વચ્ચે ઝવેરીવાડની નિશા પોળમાં આવેલું છે. આ જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસર વિશે કહેવાય છે કે છ ફૂટ ઉંચી પ્રભાવશાળી વિશાળ પ્રતિમાના દર્શન કરવા માટે એક સોનામહોર આપવી પડતી હતી. અંદાજે સંવત 1659 ( ઇ.સ 1603 )માં બંધાયેલ આ દેરાસરમાં પ્રવેશતા ગર્ભગૃહમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની સહસ્ત્રફણાવાળી કાયોત્સર્ગસ્થ મૂર્તિ જોવા મળે. બીજા ગર્ભગૃહમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની નાની શ્યામળી પ્રતિમા પરિકરમાં પદ્માસન સ્થિત છે. આ સાથેની તમામ મૂર્તિઓ, થાંભલા અને પરિસર કલાત્મક કોતરણીવાળા છે.

આ દેરાસરનું સૌથી મહત્વની મૂર્તિ ભોંયરામાં છે. વિધર્મીઓની વિધ્વંસક પ્રવૃત્તિઓના કારણે દેરાસરની મૂર્તિઓ ભોંયરામાં સ્થાપિત કરવામાં આવતી હતી. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ સફેદ આરસની પદ્માસનસ્થ સુંદર વિશાળ મૂર્તિ આવેલી છે. આ દેરાસર નગરશેઠ ખુશાલચંદે બંધાવ્યું હતું. જુદા જુદા સ્થાનકો સાથેનું આ અદભુત સ્થાપત્ય હાલ એક સંકુલમાં આવેલું છે. આ આખાય વિસ્તારમાં અનેક દેરાસરોનું સ્થાપત્ય દર્શનીય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)