બ્રિક્સ બેઠકમાં ભારતે ઉઠાવ્યો અમેરિકી ટેરિફ યુદ્ધનો મુદ્દો

નવી દિલ્હીઃ વિશ્વ વેપાર અને રોકાણ માટે એક સ્થિર માહોલની શોધમાં છે અને જરૂરી છે કે આર્થિક પ્રથાઓ ન્યાયસંગત, પારદર્શક અને સૌના હિતમાં હોવી જોઈએ. મુક્ત, ન્યાયસંગત, પારદર્શક અને નિયમ આધારિત અભિગમના સિદ્ધાંતો પર આધારિત આંતરરાષ્ટ્રીય વેપાર પ્રણાલીને જાળવી રાખવી અને તેનું પોષણ કરવું જોઈએ, એમ એમ વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું.

બ્રિક્સ નેતાઓની વર્ચ્યુઅલ બેઠકને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આજની દુનિયા પણ ચાલતા સંઘર્ષોનું તાત્કાલિક સમાધાન ઇચ્છે છે અને ગ્લોબલ સાઉથે તેના ખાદ્ય, ઊર્જા અને ખાતર સુરક્ષામાં ઘટાડાનો અનુભવ કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે આનો અર્થ એ થાય છે કે વધુ લવચિક, વિશ્વસનીય, અનાવશ્યક રીતે લાંબી ન બનેલી પુરવઠા શ્રેણીઓ ઊભી કરવી. એટલું જ નહીં, ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગનું લોકતંત્રીકરણ કરવું અને વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં તેમના વિકાસને પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે. આ દિશામાં થયેલી પ્રગતિ પ્રાદેશિક આત્મનિર્ભરતા તરફ યોગદાન આપશે અને અનિશ્ચિતતાના સમયમાં ચિંતાઓ ઘટાડશે.

તેમણે કહ્યું હતું કે વેપારની પેટર્ન અને બજારની ઉપલબ્ધિ આજની વૈશ્વિક આર્થિક ચર્ચામાં મુખ્ય મુદ્દા છે અને દુનિયાને ટકાઉ વેપારને પ્રોત્સાહન આપવા માટે રચનાત્મક અને સહકારાત્મક અભિગમની જરૂર છે. બ્રિક્સ પોતાના સભ્ય દેશો વચ્ચેના વેપાર પ્રવાહની સમીક્ષા કરીને એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે. જ્યાં સુધી ભારતનો પ્રશ્ન છે, અમારા કેટલાક સૌથી મોટા બ્રિક્સ ભાગીદારો સાથે છે અને અમે ઝડપી ઉકેલ માટે દબાણ કરી રહ્યા છીએ. અમને આશા છે કે આ સમજણ આજની બેઠકના તારણોનો ભાગ બનશે.

આંતરરાષ્ટ્રીય વેપાર પ્રણાલી પર જયશંકરની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે અમેરિકાએ ભારતીય ચીજવસ્તુઓ પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે, જેમાં રશિયન તેલના આયાત પર 25 ટકા દંડ પણ સામેલ છે. અમેરિકા અનેક અન્ય દેશો પર પણ ટેરિફ લગાવી ચૂક્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કાર્યપદ્ધતિમાં અનેક ક્ષેત્રોમાં મોટી ખામીઓ જોવા મળી છે.