અંતરિક્ષમાંથી હિમાલય અને ભારતના અનેક રંગો જોવાનો અનુભવ અદ્દભૂત: સુનિતા વિલિયમ્સ

અમેરિકા: ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશનમાંથી પરત આવ્યા બાદ પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે ધરતી પર પરત આવીને સારું લાગી રહ્યું છે.

ટૂંક સમયમાં જ ભારત આવીશ

સુનિતા વિલિયમ્સ ટૂંક સમયમાં જ ભારત પણ આવશે. તેમણે કહ્યું છે, કે “મને આશા છે કે મારા પિતાના દેશ અને આગામી એક્સીઑમ મિશન પર જનારા ભારતીય નાગરિકો સાથે હું જલ્દી જ મુલાકાત કરીશ અને તેમની સાથે મારા અનુભવ વર્ણવીશ. ભારત એક મહાન દેશ છે અને એક અદ્ભુત લોકતંત્ર છે, જેમાં અંતરિક્ષ ઉદ્યોગ ડગલાં ભરી રહ્યું છે. હું તેનો હિસ્સો બની મદદ કરવાનું પસંદ કરીશું.”તેમણે એમ પણ જણાવ્યું હતું કે અંતરિક્ષમાંથી હિમાલય અને ભારતના અન્ય ભાગોના રંગ જોઈ અદ્દભૂત અનુભવ થાય છે. દિવસ અને રાત બંને સમયે ભારતને જોવું એક અવિશ્વસનીય અનુભવ હતો. સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે પૃથ્વી પર પરત આવ્યા બાદ સૌથી પહેલા તેમણે પોતાના પતિ અને કૂતરાઓને ગળે લગાવ્યા. સૌથી પહેલા ગ્રીલ્ડ સેન્ડવીચનો સ્વાદ માણ્યો અને પિતાને યાદ કર્યા.