ભારતે માત્ર પાકિસ્તાનને નહીં, ત્રણ દેશોને હરાવ્યાઃ રાહુલ સિંહ

નવી દિલ્હીઃ ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (કેપેબિલિટી ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનન્સ) લેફ્ટેનેન્ટ જનરલ રાહુલ આર. સિંહે નવી દિલ્હીસ્થિત ફિક્કી દ્વારા આયોજિત ‘ન્યુ એજ મિલિટરી ટેક્નોલોજી’ કાર્યક્રમમાં ભારત-પાકિસ્તાન સરહદ પર વધેલા ટેન્શન અને ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાનના પડકારો અંગે ખુલ્લા દિલે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ ચીન અને તુર્કી પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા, જેને કારણે ભારતમાં હવાઈ બચાવ વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂરિયાત મહેસૂસ થઈ.

ચીનની શું ભૂમિકા હતી?

લેફ્ટેનેન્ટ જનરલ સિંહે ખુલાસો કર્યો હતો કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ચીન તરફથી રિયલ-ટાઈમ ઇન્ટેલિજન્સ માહિતી મળતી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO (ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) સ્તરે વાતચીત ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનને અમારી મહત્ત્વની સૈન્ય સંબંધી ગતિવિધિઓની લાઇવ માહિતી મળી રહી હતી અને એ માહિતી ચીન તરફથી આપવામાં આવી રહી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે રહેલા 81 ટકા સૈન્ય ઉપકરણો ચીનના બનેલાં છે અને આ ઓપરેશન ચીન માટે પોતાનું હથિયાર પરીક્ષણ કરવા માટે એક જીવંત પ્રયોગશાળા જેવી સ્થિતિ બની ગઈ હતી.

તુર્કીની શું ભૂમિકા હતી?
લેફ્ટેનેન્ટ જનરલ સિંહે જણાવ્યું કે તુર્કીએ પણ પાકિસ્તાનને ડ્રોન અને અન્ય સહાયતા આપી હતી. તેમણે કહ્યું હતું  કે તુર્કીએ ડ્રોન તથા તાલીમપ્રાપ્ત વ્યક્તિઓ આપ્યાં હતાં. તેમણે એ પર ભાર મૂક્યો હતો કે ભારતને હવે ત્રણ મોરચા – પાકિસ્તાન, ચીન અને તુર્કી સામે એકસાથે સામનો કરવાની પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.