IND vs SL 3rd T20: શનિવારે રાજકોટમાં રમાશે નિર્ણાયક મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે. ત્રણ મેચની શ્રેણીમાં બંને ટીમો 1-1થી બરાબરી પર છે. હવે સીરીઝની નિર્ણાયક મેચ શનિવારે રાજકોટમાં રમાશે. જો આપણે અહીં અત્યાર સુધીના રેકોર્ડ પર નજર કરીએ તો તે ભારત માટે સારું રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ અહીં 4માંથી ત્રણ ટી20 મેચ જીતી છે.

ભારત રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 4 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમી ચૂક્યું છે. આ દરમિયાન 3 મેચ જીતી હતી. જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઓક્ટોબર 2013માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રથમ ટી20 મેચ રમી હતી. આ મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી. આ પછી બીજી મેચ નવેમ્બર 2017માં ન્યુઝીલેન્ડ સામે રમાઈ હતી. આ મેચમાં ભારતને 40 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ 2019 અને 2022માં મેચ જીતી હતી. તેણે બાંગ્લાદેશને 8 વિકેટે અને દક્ષિણ આફ્રિકાને 82 રનથી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા રાજકોટમાં શ્રીલંકા સામે મેચ રમશે. શ્રીલંકાની ટીમ આ મેદાનમાં પ્રથમ વખત મેચ રમશે. આ મેચ ત્રણ મેચની T20 શ્રેણી માટે નિર્ણાયક સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માએ રાજકોટમાં ભારત માટે સૌથી વધુ T20 રન બનાવ્યા છે. તેણે અહીં 3 આંતરરાષ્ટ્રીય મેચમાં 98 રન બનાવ્યા છે. આ મામલે વિરાટ કોહલી બીજા સ્થાને છે. કોહલીએ 2 મેચમાં 94 રન બનાવ્યા છે. રોહિત અને કોહલીએ અહીં એક-એક અડધી સદી ફટકારી છે. યુવરાજ સિંહ 77 રન સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની પાંચમા નંબર પર છે. ધોનીએ 73 રન બનાવ્યા છે.