ભારત અને પાકિસ્તાન મેચ રદ્દ, વરસાદ વિલન બન્યો, પાકિસ્તાન સુપર 4માં પહોંચ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે કેન્ડીમાં રમાયેલી મેચનું પરિણામ સામે આવ્યું છે. સતત વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી છે. આમ હવે બંને ટીમોએ એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડશે. ભારતે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 48.5 ઓવરમાં 266 રન બનાવ્યા હતા. જ્યારે લક્ષ્યનો પીછો કરવાનો સમય આવ્યો ત્યારે સતત વરસાદને કારણે રમત ફરી શરૂ થઈ શકી ન હતી. થોડો સમય રાહ જોયા બાદ આખરે મેદાન પરના અમ્પાયરોએ બંને ટીમના કેપ્ટન સાથે વાત કરી. જે બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કિશન-પંડ્યા ભારત માટે ચમક્યા

પાકિસ્તાન સામેની મેચનો નિર્ણય તો નથી થયો, પરંતુ ભારતીય ઇનિંગ્સ દરમિયાન કિશન અને પંડ્યાએ જોરદાર બેટિંગ કરી હતી. બંને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે 138 રનની સદીની ભાગીદારી કરી હતી અને બ્લુ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા તરફથી પાંચમા નંબર પર બેટિંગ કરતા ઈશાન કિશને 81 બોલમાં 82 રન બનાવ્યા હતા.  પંડ્યાએ છઠ્ઠા સ્થાને બેટિંગ કરતા 90 બોલમાં 87 રન બનાવ્યા હતા. દુઃખની વાત એ છે કે બંને બેટ્સમેન સદીની નજીક પહોંચીને સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યા હતા.

શાહીન, શાહ અને રઉફ ચમક્યા

મેચ દરમિયાન પાકિસ્તાની ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો હતો. ગ્રીન ટીમ માટે, શાહીન શાહ આફ્રિદીએ 10 ઓવર બોલિંગ કરતી વખતે 35 રન ખર્ચીને સૌથી વધુ ચાર સફળતા મેળવી. જ્યારે નસીમ શાહ અને હરિસ રઉફ અનુક્રમે ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. આ ત્રણ બોલરો સિવાય શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ અને આગા સલમાને પણ બોલિંગ કરી હતી. જોકે, આ બોલરોને કોઈ સફળતા મળી ન હતી.

પાકિસ્તાન સુપર-4માં પહોંચ્યું

ભારત સામેની મેચ રદ્દ થવા છતાં પાકિસ્તાનની ટીમ સુપર-4માં પહોંચી ગઈ છે. ગ્રીન ટીમે પોતાની પ્રથમ મેચમાં નેપાળ સામે 238 રનથી મોટી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા પાસે પણ સુપર-4માં પહોંચવાની સુવર્ણ તક છે, કારણ કે બ્લુ ટીમની આગામી મેચ 4 સપ્ટેમ્બરે નેપાળ સાથે છે. નેપાળ સામે ભારતીય ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે.