ઈંગ્લેન્ડ સામે 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા મોટી મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. પહેલાથી જ વિરાટ કોહલી અને મોહમ્મદ શમીની ગેરહાજરીનો સામનો કરી રહેલી ટીમ ઈન્ડિયાને હવે રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ વિના મેદાનમાં ઉતરવું પડશે. ચાર મોટા મેચ વિનરની ગેરહાજરીમાં, રોહિત શર્મા માટે પ્લેઇંગ 11ની પસંદગી સરળ નથી. ટીમ ઈન્ડિયા શરૂઆતી મેચ હારી ચૂકી છે અને પાંચ મેચોની શ્રેણીમાં 0-1થી પાછળ છે.
ઈજાના કારણે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. મોહમ્મદ શમી પણ ઈજાના કારણે પ્રથમ બે મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. જ્યારે વિરાટ કોહલી અંગત કારણોસર શ્રેણીની પ્રથમ બે મેચ રમવા માટે ઉપલબ્ધ નથી. અનુભવી ખેલાડીઓની જગ્યાએ બે યુવા ખેલાડીઓને બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
સૌથી વધુ કેએલ રાહુલની ખોટ પડશે
ટીમ ઈન્ડિયા બેટિંગ ક્રમમાં સૌથી વધુ કેએલ રાહુલની ખોટ અનુભવશે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેએલ રાહુલે મિડલ ઓર્ડરની જવાબદારી સારી રીતે નિભાવી હતી. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સદી ફટકાર્યા બાદ કેએલ રાહુલે પોતાનું શાનદાર ફોર્મ જારી રાખ્યું હતું અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ દાવમાં 86 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રવીન્દ્ર જાડેજા બેટની સાથે સાથે બોલમાં પણ અજાયબી કરવામાં સફળ રહ્યો હતો. ભારત માટે જાડેજાએ મેચમાં સૌથી વધુ 87 રનની ઇનિંગ રમી હતી. એટલું જ નહીં રવિન્દ્ર જાડેજાએ પોતાની બોલિંગથી વિરોધી બેટ્સમેનોને પણ પરેશાન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 5-5 વિકેટ લીધી હતી.
વિરાટ કોહલીની ગેરહાજરી ટીમ ઈન્ડિયાને સૌથી વધુ નુકસાન પહોંચાડશે. વિરાટ કોહલી મેદાન પર હોય ત્યારે દર્શકોને ઉત્સાહથી ભરી રાખે છે. જેના કારણે ટીમ જ્યારે પાછળ રહે છે ત્યારે તેને સપોર્ટ મળે છે. આનો અભાવ હૈદરાબાદમાં સ્પષ્ટ દેખાતો હતો. મોહમ્મદ શમીનું ન રમવું પણ ટીમ ઈન્ડિયા માટે મોંઘુ સાબિત થયું કારણ કે તેની જગ્યાએ રમનાર સિરાજ એક પણ વિકેટ લઈ શક્યો ન હતો.