ગુજરાતમાં નિર્મલા સિતારમણને હસ્તે 12 GST સેવા કેન્દ્રનું લોકાર્પણ

કેન્દ્ર સરકારના નાણાં અને કોર્પોરેટ અફેર્સ વિભાગના મંત્રી નિર્મલા સીતારમણના હસ્તે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના વાપીની જ્ઞાનધામ સ્કૂલ ખાતે જીએસટી સેવા કેન્દ્રની સાથે રાજ્યના 12 જીએસટી સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે જણાવ્યું કે, બોગસ બીલિંગ અટકાવવા માટે શરૂ થઈ રહેલા જીએસટી સેવા કેન્દ્રમાં બાયોમેટ્રીક સિસ્ટમથી જીએસટી નંબર મેળવવા માટેની તમામ પ્રોસેસ પાસપોર્ટ મેળવતી વખતે કરવાની હોય તે મુજબની જ છે, માત્ર પોલિસ વેરિફિકેશન કરવાનું રહેતું નથી. ગુજરાતમાં મુખ્ય મુખ્ય જગ્યા પસંદ કરી જીએસટી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. દરેક કચેરીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સરખું છે. લોકોને સરળતા પડે તે મુજબ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જે બદલ ગુજરાત જીએસટી ટીમને બિરદાવું છું. ગુજરાત બિઝનેસનું હબ છે ત્યારે પાયલોટ પ્રોજેકટ તરીકે ગુજરાતમાં શરૂ થયેલા જીએસટી સેન્ટર અન્ય રાજ્યો માટે મોડલ બનશે.

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, મેરા બિલ, મેરા અધિકાર અંતર્ગત મોટી સફળતા મળી છે, 20 ટકા વધારા સાથે 1 લાખ કરોડથી વધુ જીએસટી કલેક્શન થયું છે. જીએસટી સેવા કેન્દ્ર દ્વારા કોઈ પણ કરદાતા કે વિક્રેતાને તકલીફ પડશે નહી પરંતુ સુવિધામાં વધારો થશે. કોઈ પણ બોગસ રજિસ્ટ્રેશન થશે નહી. આ સેન્ટરો ઉપયોગી બનશે. વધુમાં તેમણે વાપીમાં જ આ કાર્યક્રમ થવાના કારણ અંગે કહ્યું કે, વાપીમાં એશિયાની જુનામાં જુની જીઆઈડીસી છે, સ્કૂલ, હોસ્પિટલ અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણમાં પણ અગ્રેસર ફાળો રહ્યો છે.

એપમાં બિલ અપલોડ કરનાર ૬ ગ્રાહકોને રૂ. 10 લાખનું ઈનામ અપાયુ

મેરા બિલ, મેરા અધિકારી લકી ડ્રોમાં રૂ. 10 લાખનું ઈનામના વિજેતા બનનાર ૬ ભાગ્યશાળી ગ્રાહકોનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદના ગૃહિણી સ્મિતાબેન રાજેન્દ્રસિંહ રાજએ રૂ. 651ના પિઝા ખરીદીનું બીલ, સુરત કતારગામના ડો. મિતેશ અરવિંદભાઈ આંબલિયાએ રેસ્ટોરન્ટમાં ભોજનનું રૂ. 665નું બિલ, અમદાવાદના શિક્ષક હર્ષદ અંબાલાલ પટેલે ગ્રોસરી ખરીદીનું રૂ. 1734નું બિલ, ભૂજના પોલીસ કોન્સ્ટેબલ રોહિત નાથુભાઈ રાઠોડે ઘર સામાન ખરીદીનું રૂ. 228નું બિલ, અમદાવાદ ચાંદખેડાના પુનિત સત્યપ્રકાશ શર્માએ કપડા ખરીદીનું રૂ. 1500નું બિલ અને અમદાવાદના અતુલભાઈ સોમાણીએ મિઠાઈ ખરીદીનું બિલ મેરા બિલ, મેરા અધિકારી એપમાં અપલોડ કર્યુ હતુ. આ લકી ડ્રોમાં આ 6 ગ્રાહકો વિજેતા થતા તેઓને રૂ. 10 લાખના ઈનામનો ચેક મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

આ લોકાર્પણ કાર્યક્રમમાં વલસાડ ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ, ધરમપુર અને ઉમરગામના ધારાસભ્ય સર્વ ભરતભાઇ પટેલ, અરવિંદભાઈ પટેલ અને રમણલાલ પાટકર, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા, વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે સહિત વાપીના ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.