પેલેસ્ટિનને નામે 4 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે વસૂલાતઃ બેની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ઇઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન પેલેસ્ટિનને મદદ કરવાનો ખોટો દાવો કરીને 4 કરોડ રૂપિયાથી વધુ રકમ ગેરકાયદે રીતે વસૂલવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે નકલી રીતે ફાળો એકત્ર કરવાની ફરિયાદમાં ચાર લોકો સામે કેસ નોંધ્યો છે. 7 ઓક્ટોબર, 2023એ ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદથી પેલેસ્ટિનમાં કુલ 71,000થી વધુ પેલેસ્ટિનોનાં મોત થયાં છે. ઓક્ટોબર 2025માં ગાઝામાં લડાઈ રોકવા માટે થયેલા સીઝફાયર બાદથી 400થી વધુ લોકોનાં મોત થયાં છે.

એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ અને તેની એન્ટિ-ટેરરિઝમ યુનિટને શંકાસ્પદ રીતે આતંકવાદીઓને મદદ માટે ટેરર ફંડિંગ અંગે માહિતી મળી હતી. ત્યાર બાદ માજલગાવના પાત્રુડ ગામમાં શોધ અભિયાન ચલાવવામાં આવ્યું. આરોપીઓએ પેલેસ્ટિનની મદદને બહાને લોકો સાથે છેતરપિંડી કરીને 4 કરોડ રૂપિયાથી વધુ રકમ એકત્ર કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે આ રકમ એક એવા ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી, જે ચેરિટી કમિશનર પાસે નોંધાયેલું નહોતું. આ કારણે ફાળો એકત્ર કરવો ગેરકાયદે બને છે. માજલગાવ ગ્રામીણ પોલીસે ચારેય આરોપીઓ સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે, જેમાંથી બેની ધરપકડ કરી લેવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓનો કોઈ પ્રતિબંધિત સંગઠન સાથે સંબંધ છે કે નહીં. એ સાથે-સાથે આ પણ તપાસ ચાલી રહી છે કે એકત્ર કરાયેલું ફંડ ટેરર ફાઇનાન્સિંગનો ભાગ તો નથીને?

અમેરિકાની મધ્યસ્થતાથી ઓક્ટોબરમાં થયેલા સીઝફાયર છતાં ઇઝરાયલી સેનાએ ગાઝાના એવા વિસ્તારોમાં વધુ હુમલા કર્યા છે, જે તેના સીધા સૈન્ય નિયંત્રણ હેઠળ નથી. ઇઝરાયલી સેનાએ પુષ્ટિ કરી છે કે તે ઉત્તર ગાઝામાં વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી રહી છે. એ સાથે-સાથે દાવો કર્યો છે કે તેમનું નિશાન જમીન ઉપર અને જમીન નીચેના આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે, જેમાં બેઇત લહિયામાં આવેલી સુરંગો પણ સામેલ છે. ઇઝરાયલી ડ્રોને પૂર્વી ગાઝા શહેરમાં અનેક ઘરો પર વિસ્ફોટકો પણ ફેંક્યા છે.