IIT બાબાની જયપુર પોલીસે ગાંજા સાથે કરી ધરપકડ

જયપુરઃ મહાકુંભ દરમ્યાન મશહૂર થનારા IIT બાબાને નામે જાણીતા થયેલા અભય સિંહની જયપુરમાં ગાંજો રાખવાના આરોપમાં અટકાયત કરવામાં આવી હતી, જોકે તેમને થોડા સમય પછી છોડી મૂકવામાં આવ્યા હતા.

સોશિયલ મિડિયા પર IIT બાબા તરીકે પ્રખ્યાત અભય સિંહની જયપુરમાં પોલીસે અટકાયત કરી છે. અભય સિંહે સોશિયલ મિડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી, ત્યાર બાદ શિપ્રા પથ પોલીસ સ્ટેશન રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચી અને IIT બાબાને કસ્ટડીમાં લીધા.

પ્રાપ્ત માહિતી મુજબ અભય સિંહ પાસેથી ગાંજો મળી આવ્યો છે. તેમની સામે NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ કાર્યવાહી થાય એવી શક્યતા છે. હાલમાં પોલીસ IIT બાબાની પૂછપરછ કરી રહી છે.

જોકે આ મામલે IIT બાબાએ આપઘાતવાળી વાતને ફેક ન્યૂઝ જણાવી છે. તેમણે કહ્યું હતું કે ગાંજાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી અને જામીન પર છોડી દેવામાં આવ્યો છે. મને તરત જામીન મળી ગયા છે અને આપઘાત મામલે મેં ફક્ત એટલું લખ્યું હતું કે હું સંસારમાં ફક્ત મહાદેવને પ્રેમ કરું છું, બીજું મારા જીવનમાં કોઈ નથી.