‘જો તમે ગાઝામાંથી નહીં નિકળો તો તમને આતંકવાદી ગણવામાં આવશે’ : ઇઝરાયલ

ઇઝરાયેલ-હમાસ વચ્ચે રવિવારે 16મા દિવસે યુદ્ધ ચાલુ રહ્યું છે. ઈઝરાયેલે હવે ગાઝા પટ્ટી પર હુમલા તેજ કર્યા છે. હમાસ વિરુદ્ધ હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં નાગરિકોને વધુ નુકસાન ન થાય તે માટે ઈઝરાયેલે હવે પેલેસ્ટાઈનીઓને ઉત્તર ગાઝા છોડીને દક્ષિણ તરફ જવાની નવી ચેતવણી આપી છે. ઈઝરાયેલની સેના દ્વારા આપવામાં આવેલી આ ચેતવણીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ આવું નહીં કરે તો તેને આતંકવાદી સંગઠનનો મદદગાર ગણવામાં આવશે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલી સેના દ્વારા જારી કરાયેલા કાર્ડ મેસેજ પર ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ અને લોગો માર્ક કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, મોબાઈલ ફોન પર ઓડિયો મેસેજ દ્વારા ગાઝા પટ્ટીના લોકોને પણ આવા મેસેજ ફરતા કરવામાં આવ્યા છે.

‘જો અમે ગાઝા નહીં છોડીએ તો અમને આતંકવાદી ગણવામાં આવશે’

આ સંદેશાઓ કહે છે, ‘વાડી ગાઝાના ઉત્તરમાં તમારી હાજરી જીવનને જોખમમાં મૂકી શકે છે. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ઉત્તર ગાઝા છોડીને દક્ષિણ તરફ આગળ નહીં વધે તો તેને આતંકવાદી સંગઠનના સહયોગી તરીકે જોઈ શકાય છે. ગાઝાના એક ભાગને દક્ષિણ ગાઝા અને બીજા ભાગને ઉત્તર ગાઝા કહેવામાં આવે છે. વાડી ગાઝા એટલા માટે જાણીતું છે કારણ કે તે વાડી નદીની નજીકમાં આવેલું છે. આ સંદેશ એવા સમયે જારી કરવામાં આવ્યો છે જ્યારે ઈઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે.

‘ઉદેશ્ય નાગરિકોને નિશાન બનાવવાનો નથી’

ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે તેનો કોઈ હુમલો કરવાનો કે તે લોકોને નિશાન બનાવવાનો કોઈ ઈરાદો નથી કે જેઓ આતંકવાદી જૂથના સભ્ય નથી.

હવાઈ ​​હુમલાઓ વચ્ચે દક્ષિણ તરફ જવું વધુ જોખમી છે

ઇઝરાયેલે અગાઉ પેલેસ્ટિનિયનોને દક્ષિણ તરફ જવા માટે વિનંતી કરી હતી, જોકે પેલેસ્ટિનિયનોએ જણાવ્યું હતું કે તેઓને અગાઉથી કહેવામાં આવ્યું ન હતું કે જો તેઓ આમ નહીં કરે તો તેઓ ‘આતંકવાદી’ સમર્થક ગણી શકાય. હવાઈ ​​હુમલા વચ્ચે હવે દક્ષિણ તરફ જવું વધુ જોખમી બની ગયું છે.

‘દક્ષિણ ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં 50 પેલેસ્ટાઈનના મોત’

બીજી તરફ અહેવાલ મુજબ ગાઝા છોડીને દક્ષિણ તરફ પ્રયાણ કરનારા ઘણા પરિવારોનું કહેવું છે કે દક્ષિણ ગાઝામાં ઇઝરાયેલના હવાઈ હુમલા દરમિયાન તેઓએ તેમના ઘણા સંબંધીઓને ગુમાવ્યા છે. ઇઝરાયલના અંતરિયાળ વિસ્તારો પર રાતોરાત કરવામાં આવેલા હવાઈ હુમલામાં 50 થી વધુ પેલેસ્ટિનિયનોના પણ મોત થયા છે.