નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં ચાલી રહેલી G-7 શિખર બેઠક દરમિયાન કહ્યું હતું કે ઈરાન સાથેનો MoU (સમજૂતી કરાર) હજુ અંતિમ નથી અને જો તેમને અંતિમ કરાર પસંદ નહીં આવે તો અમેરિકા ફરી હુમલો પણ કરી શકે છે.
ફરી હુમલાની ધમકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં G-7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સમાં છે. સમિટ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમેરિકાએ ઈરાનમાં બધું જ નષ્ટ કરી નાખ્યું છે અને ઈરાન સાથેનો MoU હજુ સુધી અંતિમ નથી થયો. તેમણે વધુમાં કહ્યું કે જો અંતિમ કરાર તેમને યોગ્ય નહીં લાગે તો અમેરિકા ફરી સૈન્ય કાર્યવાહી કરશે.
એક-બે દિવસમાં હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ ખૂલશે
ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથેના કરાર વિશે વધુ વિગતો તેઓ આજે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં આપશે. તેમના મુજબ બજાર ઈરાન સાથેની સંભવિત સમજૂતીથી ખુશ છે. તેમણે કહ્યું હતું કે હોર્મુઝ જળમાર્ગ આગામી એક-બે દિવસમાં સંપૂર્ણ રીતે ખુલ્લો થઈ જશે. હાલમાં તે આંશિક રીતે ખુલ્લો છે. ઓઇલના ભાવ ઘટી રહ્યા છે અને યુદ્ધ પહેલાંના સ્તર કરતાં પણ નીચે જઈ શકે છે, જેનાથી લોકોની ખરીદશક્તિ પર સકારાત્મક અસર પડશે.

300 અબજ ડોલરના રોકાણના અહેવાલોને ગણાવ્યા ખોટા
ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે અમેરિકા આ સમજૂતીના ભાગરૂપે ઈરાનમાં 300 અબજ ડોલરનું કોઈ રોકાણ કરી રહ્યું નથી અને આવા અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.
સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ હજુ પણ ખુલ્લો
ટ્રમ્પે જણાવ્યું હતું કે જો અંતિમ કરાર તેમની અપેક્ષાઓ મુજબ નહીં હોય તો અમેરિકા ફરી યુદ્ધના માર્ગે જઈ શકે છે. આવી સ્થિતિમાં સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ હજુ પણ ટેબલ પર છે. G-7 શિખર સંમેલનમાં ટ્રમ્પના આ નિવેદનને ઈરાન માટે સીધી ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે. એક તરફ અમેરિકા રાજદ્વારી માર્ગ દ્વારા સમજૂતીની શક્યતાઓ ખુલ્લી રાખવા માગે છે તો બીજી તરફ તે પોતાનાં વ્યૂહાત્મક હિતો અંગે કોઈ સમાધાન નહીં કરે તેવો સ્પષ્ટ સંદેશ પણ આપી રહ્યું છે.






