SEZ નિકાસમાં ગુજરાતનો ૨૧% ફાળો, ૧૨ વર્ષમાં રોકાણ-રોજગારીમાં રેકોર્ડબ્રેક વૃદ્ધિ

અમદાવાદ: ગુજરાતે છેલ્લા ૧૨ વર્ષમાં નિર્માણ, રોકાણ અને નિકાસ ક્ષેત્રે રેકોર્ડબ્રેક આર્થિક પ્રગતિ નોંધાવી છે. હાલમાં જ કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (KASEZ), ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ અને DGFT અમદાવાદ દ્વારા સંયુક્ત રીતે ‘ગુજરાતમાં SEZનાં ૧૨ વર્ષની સિદ્ધિઓ અને ભવિષ્યનું વિઝન’ વિષય પર એક વિશેષ આઉટરીચ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ વાણિજ્ય અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓએ રાજ્યના ઔદ્યોગિક રોડમેપ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

વૈશ્વિક વેપારમાં ગુજરાતનું $૧૧૦ બિલિયનનું યોગદાન

કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ અજય ભાદુએ જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં દેશની કુલ નિકાસ $૪૪૧ બિલિયનથી વધીને $૮૬૩ બિલિયન યુએસ ડોલર સુધી પહોંચી છે. આ વૈશ્વિક વિકાસ યાત્રામાં માત્ર ગુજરાત જ $૧૧૦ બિલિયનના નોંધપાત્ર યોગદાન સાથે દેશનું મુખ્ય ભાગીદાર બન્યું છે. તાજેતરમાં જાહેર થયેલી ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬’ની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, આ નીતિ માત્ર વહીવટી દસ્તાવેજ નથી પરંતુ રાજ્યમાં આર્થિક પરિવર્તનનો નવો પર્યાય સાબિત થશે.

૧૨ વર્ષમાં રોકાણ અને રોજગારી બમણી

ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર પાટિલે ગુજરાતના SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ની સિદ્ધિઓ આંકડાકીય વિગતો સાથે રજૂ કરી હતી:

  • નિકાસમાં વૃદ્ધિ: વર્ષ ૨૦૧૪-૧૫માં ગુજરાતના SEZની નિકાસ ₹૧,૭૯,૮૦૮ કરોડ હતી. જે ૬૭%ના જંગી વધારા સાથે વર્ષ ૨૦૨૬માં ₹૩,૦૦,૭૯૩ કરોડ પર પહોંચી છે. ભારતની કુલ SEZ નિકાસમાં એકલું ગુજરાત ૨૧ ટકા હિસ્સો ધરાવે છે.

  • રોકાણમાં ઉછાળો: SEZમાં કુલ મૂડી રોકાણ ₹૧,૨૨,૬૫૪ કરોડથી વધીને ₹૨,૨૮,૬૨૪ કરોડ થયું છે.

  • રોજગાર સર્જન: રોજગારીની તકો ૬૩,૪૭૫થી વધીને સીધી ૨.૨૨ લાખથી વધુ થઈ છે.

ભવિષ્યના લક્ષ્યાંકો અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, હવે SEZ માટે નિકાસમાં વાર્ષિક ૨૦% અને રોજગારમાં ૧૦% વૃદ્ધિનો નવો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ સાથે જ રાજ્યમાં ૪ અત્યાધુનિક સેમિકન્ડક્ટર SEZ (ટાટા, માઈક્રોન, સીજી સેમિ અને કેઇન્સ) સ્થાપવાની દિશામાં ઝડપી કામગીરી ચાલી રહી છે.

મિશન ૨૦૪૭: $૩.૫ ટ્રિલિયન ઇકોનોમીનો લક્ષ્યાંક

રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર પી. સ્વરૂપે નવી ઔદ્યોગિક નીતિના વિઝન પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતને ૩.૫ ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્યાંક છે. આ માટે ૨૧ મુખ્ય ક્ષેત્રો (Core Sectors)ની પસંદગી કરવામાં આવી છે.ઉદ્યોગો માટે પ્રક્રિયા સરળ બનાવવા ‘Choose Your Incentive’નું પારદર્શી માળખું અમલી કરાયું છે, જેમાં રોકાણકારો પોતાની જરૂરિયાત મુજબ મૂડી સબસિડી, વ્યાજ સબસિડી કે પાવર ટેરિફ રિએમ્બર્સમેન્ટ પસંદ કરી શકશે. આ ઉપરાંત, પ્રાદેશિક સંતુલન માટે ‘પ્રોજેક્ટ T.H.R.I.V.E.’ અને ગુજરાતને ગ્લોબલ આર એન્ડ ડી (R&D) હબ બનાવવા સંશોધન, મહિલા સાહસિકો તથા ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશેષ પ્રોત્સાહનોની જોગવાઈ આ નીતિ અંતર્ગત કરવામાં આવી છે.