અમદાવાદ: વિશ્વના સૌથી સુંદર એરપોર્ટ બનાવવાની વૈશ્વિક રેસમાં અદાણી ગ્રુપે ભારતનું નામ રોશન કર્યું છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત ‘નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ ૧)’ અને ગુવાહાટીના ‘લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ ૨)’ ને વિશ્વના સૌથી સુંદર એરપોર્ટ્સની પ્રતિષ્ઠિત ‘પ્રિક્સ વર્સેલ્સ’ (Prix Versailles) ની વૈશ્વિક યાદીમાં સ્થાન મળ્યું છે. આ અજોડ સિદ્ધિ દર્શાવે છે કે ભારત આધુનિક અને વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં વિશ્વમાં અગ્રેસર છે.
આર્કિટેક્ચર જગતનો ‘ઓસ્કાર’
ફ્રાન્સના પેરિસમાં યુનેસ્કો (UNESCO)ના મુખ્ય મથક ખાતેથી એનાયત થતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્થાપત્ય કળાનો ઓસ્કાર ગણાય છે. આ સન્માન એરપોર્ટની અદભુત સુંદરતા, આધુનિક ઇનોવેશન, ઇન્ટેલિજન્ટ સસ્ટેનેબિલિટી (પર્યાવરણની જાળવણી) અને મુસાફરોના સર્વોચ્ચ અનુભવને આધારે આપવામાં આવે છે. આ એવોર્ડ સાબિત કરે છે કે આજના સમયમાં એરપોર્ટ માત્ર મુસાફરીના કેન્દ્રો નથી, પરંતુ તે દેશની સંસ્કૃતિ, પ્રકૃતિ અને આર્થિક પ્રગતિના જીવંત પ્રતીકો છે.
પ્રકૃતિ અને કળાનો અજોડ સમન્વય
આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બંને ભારતીય એરપોર્ટની ડિઝાઇને વૈશ્વિક કક્ષાએ આકર્ષણ જમાવ્યું છે:
-
નવી મુંબઈ એરપોર્ટ: ભારતના રાષ્ટ્રીય ફૂલ ‘કમળ’ (Lotus) આકારની ભવ્ય ડિઝાઇન, ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી અને અદભુત આર્કિટેક્ચરના સમન્વયથી સજ્જ છે.

-
ગુવાહાટી એરપોર્ટ (ટર્મિનલ ૨): આ ટર્મિનલની ડિઝાઇન ઉત્તર-પૂર્વ ભારતની સમૃદ્ધ જૈવવિવિધતાના પ્રતીક એવા અત્યંત સુંદર ‘બેમ્બુ ઓર્કિડ’ (Bamboo Orchid) ફૂલ પરથી તૈયાર કરાઈ છે, જે પર્યાવરણને અનુકૂળ ઇજનેરી કળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
વર્લ્ડ ટાઇટલ મેળવવા વૈશ્વિક રેસ
આ વૈશ્વિક યાદીમાં ભારતની સાથે ચીનનું ગુઆંગઝુ, જર્મનીનું ફ્રેન્કફર્ટ, કંબોડિયાનું કંડાલ સ્ટુએંગ તેમજ અમેરિકાના પિટ્સબર્ગ અને સેન ડિએગો જેવા વિશ્વના આધુનિક એરપોર્ટ્સ પણ સામેલ છે. વર્ષના અંતે આ યાદીમાંથી શ્રેષ્ઠ ત્રણ એરપોર્ટ્સને વૈશ્વિક વિજેતા તરીકે ‘વર્લ્ડ ટાઇટલ’ આપીને નવાજવામાં આવશે. અદાણી ગ્રુપના આ વર્લ્ડ-ક્લાસ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં ભારતમાં પર્યટન, વેપાર અને આર્થિક વિકાસને નવી રોકેટ ગતિ આપશે.






