ગાંધીનગર: હસ્તકલા ક્ષેત્રે કારીગરોને પ્રોત્સાહન આપીને રાજ્યએ સ્વદેશી અભિયાનને નવી દિશા આપી છે. આ પ્રયાસમાં ગુજરાત સરકારની સંસ્થા “ગરવી ગુર્જરી” મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ગરવી ગુર્જરીના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી ગુજરાતના કારીગરો માટે નવા આયામો ખુલ્યા છે, જેમાં ગાંધીનગરના કલમકારી કલાકાર રિદ્ધિ ચાવડાની સફર ઉલ્લેખનીય છે.
કલમકારીને નવી ઓળખ આપી
વર્ષ 2019માં જ્યારે રિદ્ધિબહેને પહેલી વખત પેઇન્ટ બ્રશ ઉપાડ્યું ત્યારે તેમણે વિચાર્યું પણ નહતું કે તેમની પરંપરાગત કળાને નવી ઓળખ મળશે અને તે અન્ય લોકો માટે રોજગારીની તકો પણ લઈને આવશે. રિદ્ધિબહેન સુંદર કલમકારી (કાપડ પર ચિત્રકામ કરવાની કળા) કરીને ભારતીય લોક પરંપરાથી પ્રેરિત સુંદર ચિત્રો બનાવે છે. શરૂઆતના વર્ષોમાં તેમણે ઉત્કૃષ્ટ કારીગરી કરીને હેન્ડ-પેઇન્ટેડ કલમકારી સાડી, દુપટ્ટા અને કુશન બનાવ્યા હતા, જે પૌરાણિક કથાઓ, પ્રકૃતિ અને વિવિધ ભાવને પ્રતિબિંબિત કરતા હતા. રિદ્ધિબહેને જણાવ્યું કે, “કલમકારી એ સુંદર કામ છે, પણ તે સમય માગી લે તેવી કળા છે અને ખર્ચાળ પણ છે. હું કલમકારીને લોકો માટે સુલભ બનાવવા માગતી હતી અને આ દરમ્યાન મારો પરિચય ગરવી ગુર્જરી સાથે થયો અને ત્યાંથી મારી કળાની નવી સફર શરૂ થઈ.”
“ગરવી ગુર્જરી”નો સાથ મળ્યો
રિદ્ધિબહેને જ્યારે કસ્ટમાઇઝ્ડ ઓર્ડર લેવાનું શરૂ કર્યું એ દરમ્યાન તેમનો પરિચય ગરવી ગુર્જરી સાથે થયો, જે પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન આપવા માટે જાણીતું મંચ છે. રિદ્ધિબહેને ગરવી ગુર્જરીના સહયોગ અને માર્ગદર્શન થકી પરંપરાગત કલમકારી કળાને રોજિંદા ઉપયોગી પ્રોડક્ટ્સમાં રૂપાંતરિત કરીને સ્વદેશી કળાને ઘરે-ઘરે પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તેમણે પરંપરાગત કાપડ સુધી મર્યાદિત ન રહેતાં આધુનિક હોમ ડેકોર અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર પણ રંગો ઉતાર્યા. તેમણે ગરવી ગુર્જરીના સહકારથી તૈયાર કરેલી કેન્ડલ, ટ્રે, કોસ્ટર જેવી હોમ એક્સેસરીઝ અને અન્ય સુશોભનની વસ્તુઓ લોકપ્રિય બની છે.
20થી વધુ મહિલાઓને રોજગારી આપી
ગરવી ગુર્જરી મારફતે મુખ્યમંત્રીના કાર્યાલય (CMO) માટે દિવાળી ગિફ્ટ તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો. ત્યાર બાદ રિદ્ધિ ચાવડાએ પોતાના વર્કશોપમાં 20થી વધુ મહિલાઓને રોજગારીની તક પૂરી પાડીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે જણાવ્યું કે, “ગુજરાત સરકારની ગરવી ગુર્જરી સંસ્થાના સહયોગથી અમને વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવાની તક મળી છે. અમારું ધ્યેય આ હસ્તકળાના માધ્યમથી મહિલાઓને સશક્ત બનાવવાનો અને સર્જનાત્મકતાને વિસ્તૃત કરવાનો છે.”




