IC 814 કંધાર હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ રઉફ અઝહર ખતમ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી ભારતને બીજી એક મોટી સફળતા મળી છે. કંધાર IC-814 હાઇજેકનો માસ્ટરમાઇન્ડ રઉફ અઝહર એક હુમલામાં માર્યા જવાની માહિતી છે. રઉફ અઝહર ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના જનાજામાં નમાજ અદા કરતો જોવા મળ્યો હતો.

ભારતે પહેલગામ આતંકી હુમલાનો બદલો ઓપરેશન સિંદૂર દ્વારા લઈ લીધો છે. આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. રઉફ અઝહર ભારત જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તે સૌથી વધુ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક હતો. અનેક દેશોની નજર એના પર હતી.

રઉફ અઝહર કોણ છે?

રઉફ અઝહર, જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનો નાનો ભાઈ છે. તે ભારતીય સુરક્ષા એજન્સીઓનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. 1999માં IC-814 એરલાઇન હાઇજેક કાંડનો મુખ્ય સૂત્રધાર રઉફ હતો. 24 ડિસેમ્બર 1999એ કાઠમંડુથી દિલ્હી જઈ રહેલી IC-814 ફ્લાઇટને પાંચ આતંકવાદીઓએ હાઇજેક કરી હતી અને તેને પાકિસ્તાન, અમૃતસર, દુબઈ થકી કંધાર, અફઘાનિસ્તાનના તત્કાલીન તાલીબાન નિયંત્રણ હેઠળના વિસ્તારમાં લઈ ગયા હતા. આ હાઇજેકનો હેતુ મસૂદ અઝહર, અહમદ ઉમર સાઈદ શેખ અને મુશ્તાક અહમદ ઝરગરને જેલમાંથી છોડાવવાનો હતો. આ આખા ઓપરેશનની યોજના રઉફ અઝહરે બનાવી હતી અને એમાં એ સક્રિય રીતે સામેલ હતો. હવે ભારતે આ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને ઠાર માર્યો છે.

આતંકવાદી હુમલાઓમાં સંડોવણી

  • 2001માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા અને ભારતીય સંસદ પર ફિદાયીન હુમલાઓની યોજના બનાવવામાં સામેલ હતો.
  • 2016ના પઠાણકોટ એરબેઝ પર થયેલા હુમલામાં પણ તેનો હાથ હતો.
  • 2019માં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં પણ રઊફની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.
  • 1999ના IC-814 હાઇજેકમાં તે મુખ્ય ષડયંત્રકાર અને તાલિબાન સાથેના સમન્વયકર્તા તરીકે કામ કરતો હતો.
  • 2014થી 2019 વચ્ચેના અનેક અન્ય હુમલાઓમાં પણ તેનું નામ જોડાયું છે.