વકફ કાયદામાં ભૂલ નીકળી તો રાજીનામું આપીશઃ જગદંબિકા પાલ

નવી દિલ્હીઃ. સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદામાં કેટલીક ખામીઓ હોવાનું કહી સ્પષ્ટતા માગી છે. જેના પર આ કાયદાનું નિર્માણ કરનારી JPC (જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી)ના અધ્યક્ષ જગદંબિકા પાલે દાવો કર્યો છે કે જો કાયદામાં એક પણ ખામી નીકળી, તો હું મારા સાંસદપદ પરથી રાજીનામું આપી દઈશ.

સુપ્રીમ કોર્ટે સળંગ બે દિવસ સુધી આ મામલે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ઘણા આપત્તિજનક નિયમો ઘડાયા હોવાનું જણાવી કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટતા મગાવી છે. કેન્દ્ર સરકારે સાત દિવસની અંદર અમુક સળગતા સવાલોનો જવાબ  કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.

પાલે જણાવ્યું હતું કે JPCએ આ મુદ્દે 38 બેઠકો કરી હતી. તમામ સવાલો પાયાવિહોણા છે. અમુક રાજકીય પક્ષો પોતાના લાભ માટે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કાયદો અનેક વિચાર-વિમર્શ અને મનોમંથન બાદ ઘડવામાં આવ્યો છે. જો કાયદામાં એક પણ ખામી નીકળી તો હું મારા સાંસદપદ પરથી રાજીનામું આપી દઈશ.

પાલે જણાવ્યું હતું કે  બિન-મુસ્લિમોને વક્ફ બોર્ડમાં સામેલ કરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે જ લેવામાં આવ્યો હતો. 2010માં સુપ્રીમ કોર્ટ અનુસાર વક્ફ બોર્ડ એક કાયદાકીય સંસ્થા છે, તે ધાર્મિક સંસ્થા નથી. તે વક્ફ પ્રોપર્ટીની દેખરેખ અને જાળવણી કરતી સંસ્થા છે. આ સિવાય અગાઉ પણ સુપ્રીમ કોર્ટે અનેક વખત વિવિધ કેસોમાં કહ્યું છે કે વક્ફ બોર્ડ એ કાયદાકીય સંસ્થા છે, ધાર્મિક નહીં. જેથી તેમાં વિશ્લેષણના લોકો સહિત અન્ય નિષ્ણાતો સામેલ થઈ શકે છે. સરકારે તેને મુસ્લિમોની હિતમાં ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ વિરોધ મામલે 100થી વધુ અરજી થઈ છે.