કેવી છે આ વર્ષે રાજકોટના લોકમેળાની તૈયારીઓ?

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સાતમ – આઠમના તહેવારો એક સપ્તાહ સુધી ભારે ઉત્સાહથી ઉજવાતા હોય છે. રાજકોટનો પ્રસિદ્ધ લોકમેળો એ જન્માષ્ટમીના ઉત્સવનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ વર્ષે ત્તા. 24 થી 28 ઓગસ્ટ પાંચ દિવસ માટે રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળો યોજાશે. વહીવટી તંત્રે આ મેળાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. રાજકોટમાં ગેમઝોનની ઘટના બાદ જન્માષ્ટમીના લોકમેળાના આયોજનમાં જિલ્લા વહીવટી તંત્રે સુરક્ષા પર ફોકસ કરીને વિવિધ પગલાં લીધા છે. મેળાના મેદાનમાં સાત એન્ટ્રી અને એકઝીટ માટેના ગેઇટ બનાવવામાં આવ્યા છે અને 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગત વર્ષે 350 જેટલા વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા હતા તેની સામે આ વર્ષે 200 જેટલા જ સ્ટોલ રખાયા છે. ક્રાઉડ કન્ટ્રોલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ડોન કેમેરાથી મેળા ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે અને ગ્રાઉન્ડ ફૂલ થઇ જાય તો એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે. જુદી જુદી રાઈડ્સ ને લઈને ખાસ સૂચના આપવામાં આવી છે. ફાઉન્ડેશન ભર્યા બાદ પાર્ટ્સ ફીટ કરવા સૂચના આપી છે જેથી કોઈ દુર્ઘટના ન બને જો કે કેટલાક રાઈ ડ્સ ના માલિકોએ જમીનના જરૂરી ટેસ્ટ અને ફાઉન્ડેશન ભર્યા વિના માંચડો ઊભો કર્યો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમે મેળાના મેદાનની મુલાકાત લઈ સ્થિતિ ચકાસી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. એડિશનલ કલેક્ટર ચેતન ગાંધી એ જણાવ્યું હતું કે, નેશનલ ડિઝાસ્ટર ના તજજ્ઞોએ રાઈ ડસ્ ના માલિકોએ અને સરકારી કર્મચારીઓ ને જરૂરી તાલીમ અને સૂચનાઓ આપી છે. રાજકોટના લોકમેળાનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત જડેશ્વર મહાદેવ, ઘેલા સોમનાથ, રતનપર સહિતના સ્થળોએ જન્માષ્ટમીના મેળા યોજાશે. લાખો લોકો મેળો માણવા પહોંચશે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીરો – નિશુ કાચા)