HL કોલેજ એલ્યુમની એસોસિએશનનો ઈકો-ફ્રેન્ડલી ગણેશ વર્કશોપ

અમદાવાદ: HL કોલેજ એલ્યુમની એસોસિએશન દ્વારા એલ્યુમની પેવેલિયનમાં ઈકો-ફ્રેન્ડલી ગણેશ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં લગભગ ૩૦ વિદ્યાર્થીઓ અને એલ્યુમની સભ્યોએ ભાગ લીધો હતો. તેઓ પર્યાવરણને નુક્સાન ન કરે તેવી સરસ મજાની માટીની ગણેશ મૂર્તિઓ બનાવતા શીખ્યા.આ વર્કશોપનું સંચાલન સેન્ટર ફોર એનવાયરનમેન્ટ એજ્યુકેશન (CEE) દ્વારા Yflow, અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરા અને તહેવારોને પ્રકૃતિ સાથે સંતુલનમાં ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.ઈકો-ફ્રેન્ડલી વિઘ્નહર્તા એટલે પ્રકૃતિ સાથે સંવાદ કરતા ગણેશજી… આપણા ત્યાં ગણેશજીની સ્થાપના અને બાદમાં તેમના વિસર્જનની પરંપરા છે. આથી જ્યારે બાપાને વિદાય આપે ત્યારે તેમનું સ્વરૂપ કોઈ પણ રીતે પર્યાવરણને નુક્સાન ન કરે તે જોવાનું કામ આપણા ભક્તોનું છે. આ વર્કશોપમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કુદરતી વસ્તુઓમાંથી જ ગજાનનની મૂર્તિ બનાવવાની કલા શીખી. જેમાં માટી, પ્રાકૃતિક રંગોનો સમાવેશ થાય છે. આ પહેલથી ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન પર્યાવરણને નુકસાન ટાળીને પરંપરાગત મૂલ્યોને જાળવી રાખવાનું ધ્યેય રાખવામાં આવ્યું.