અમેરિકન સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના આ છે મહત્ત્વના મુદ્દા…

અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે રશિયા-યૂક્રેન યુદ્ધ, ટેરિફ વૉર સહિતના ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો કે તેમના વહિવટે ફક્ત 43 દિવસમાં તે કરી બતાવ્યું છે, જે પહેલાંની સરકારે ચાર વર્ષમાં પણ કર્યું નથી. ટ્રમ્પે આ સંબોધનને The Renewal of the American Dream નામ આપ્યું હતું.

ટ્રમ્પના સંબોધનના મુખ્ય મુદ્દા

– ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધનમાં કહ્યું કે અમે યુક્રેન-રશિયા યુદ્ધને ખતમ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા એટલા માટે તેનો અંત લાવવાની જરૂર છે. ટ્રમ્પે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીના પત્રના વખાણ કરતા કહ્યું કે મને ઝેલેન્સ્કીનો પત્ર ગમ્યો. અમારી રશિયા સાથે ગંભીર વાતચીત થઈ છે. ટ્રમ્પે કહ્યું કે અમને મોસ્કો તરફથી પણ મજબૂત સંકેતો મળ્યા છે. રશિયા શાંતિ માટે તૈયાર છે. તેમણે સંસદમાં હાજર લોકોને પૂછ્યું, ‘શું આ સારી વાત નથી?’ હવે આ યુદ્ધનો અંત આણવો જરૂરી છે.

– અમારી સરકાર પનામા નહેર પર કબજો કરી લેશે. આ સાથે અમે ગ્રીનલેન્ડના લોકોના અધિકારોનું સન્માન કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ગ્રીનલેન્ડ અમેરિકાનો હિસ્સો બને. અમે ગ્રીનલેન્ડને સમૃદ્ધ બનાવીશું. જો તમે અમેરિકાનો હિસ્સો નહીં બનો તો અમે કોઈને કોઈ રીતે આવું કરી જ લઈશું. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે અમે તમને સુરક્ષિત રાખીશું.

– અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિશે કહ્યું કે અમારે અમેરિકાને તેમનાથી મુક્તિ અપાવવી છે. અમારા દેશના અમુક ભાગો પર આ લોકોએ કબજો જમાવી લીધો છે. અમે તેમને દેશમાંથી શોધી શોધીને તગેડી મૂકીશું.

– જલ્દી જ અમે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવાના છીએ જેના પછી પોલીસ અધિકારીની કોઈ હત્યા કરી દેશે તો તેને તાત્કાલિક મૃત્યુદંડ આપવામાં આવશે.

– અમારા દ્વારા ગોલ્ડ કાર્ડની સ્કીમ લાવવામાં આવી છે.  અમે 5 મિલિયન ગોલ્ડ કાર્ડ ઈશ્યૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તેનાથી અમેરિકાને મોટો ફાયદો થશે અને મહેનતું લોકો આખી દુનિયામાંથી અમેરિકા તરફ આકર્ષાશે. તેમના માટે અમેરિકાની નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થઈ જશે. આ એક રીતે ગ્રીન કાર્ડ છે પણ તેમાં વધારે સુવિધાઓ રહેશે.

– અમેરિકા મોમેન્ટમ પરત આવી ગયું છે. આપણી આત્મા પરત આવી ગઇ છે. આપણું ગૌરવ પરત આવી ગયું છે. આપણો વિશ્વાસ પાછો ફર્યો છે. હવે અમેરિકાના લોકો પોતાના તમામ સપના પુરા કરી શકશે.

– મેં દેશની બોર્ડર પર થઇ રહેલા આક્રમણને રોકવા માટે અમેરિકી સેના અને બોર્ડર પેટ્રોલિંગ ટીમ તૈનાત કરી છે અને ગત મહિને ગેરકાયદે બોર્ડર ક્રોસ કરવાની ઘટનાઓમાં હવે ઘટાડો નોંધાયો છે.

– ભારત આપણા અર 100 ટકા ટેરિફ લગાવે છે. જે આપણા દેશ પર જેટલો ટેરિફ લગાવશે, આપણે એટલો ટેરિફ લગાવીશું.

– “અમે માનીએ છીએ કે તમે ડોક્ટર, એકાઉન્ટન્ટ, વકીલ અથવા એર ટ્રાફિક કંટ્રોલર હોવ, તમારી નિમણૂક જાતિ કે લિંગના આધારે નહીં, પરંતુ કુશળતા અને ક્ષમતાઓના આધારે થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એક બોલ્ડ અને ખૂબ જ શક્તિશાળી નિર્ણયમાં અમને તે કરવાની મંજૂરી આપી છે.”

– ‘અમે આપણી પબ્લિક સ્કૂલોમાંથી ક્રિટિકલ રેસ થિયરીનું ઝેર કાઢી નાખ્યું છે. મેં એક આદેશ પર સહી કરી છે, જેથી અમેરિકામાં હવે ફક્ત બે જ જેન્ડર હશે જેમાં એક છે મહિલા અને બીજા પુરુષ. મેં પુરુષોને મહિલાઓની રમતમાં રમાડવા સામે પ્રતિબંધ મૂકી દીધો છે.

– મેં પ્રમુખ બનતાની સાથે જ અનેક મોટા નિર્ણયો લીધા. સંઘીય ભરતી, નવી ફેડરલ પોલિસી અને અમેરિકાની નુકસાનકારક વિદેશી નીતિઓ રદ કરી નાખી. ગ્રીન ન્યૂ સ્કેમ મુર્ખામીભર્યો હતો અને મેં તેનો અંત લાવ્યો. અમેરિકા માટે પેરિસ ક્લાઈમેટ કરાર,  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને અમેરિકા વિરોધી સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પંચમાંથી હાથ પાછા ખેંચી લીધા.  તેમણે કહ્યું કે અમે જૂની સરકારો દ્વારા લાવવામાં આવેલા ઈવી વાહનોને લગતા નિયમ રદ કરી દીધા છે.