નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા હમદર્દ કંપનીના પીણા રુહ અફઝા પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું હતું કે તેમણે કોર્ટમાં હાજર થવું પડશે. તેમનાં કાર્યો પર નારાજગી વ્યક્ત કરતાં હાઈકોર્ટે કહ્યું હતું કે બાબા રામદેવ કોઈના નિયંત્રણમાં નથી, તેઓ પોતાની દુનિયામાં જ રહે છે.
ન્યાયાધીશ અમિત બંસલની અધ્યક્ષતામાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કડક સ્વરમાં કહ્યું કે બાબા રામદેવ દ્વારા રજૂ કરાયેલું સોગંદનામું અને તાજેતરનો વિડિયો બંને પ્રથમ દ્રષ્ટિએ કોર્ટના તિરસ્કારના દાયરામાં આવે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે હવે તેમની સામે માનહાનિ બદલ નોટિસ જારી કરવામાં આવશે.
આખો મામલો શું છે?
પતંજલિના ગુલાબના શરબતનો પ્રચાર કરતી વખતે બાબા રામદેવે દાવો કર્યો હતો કે હમદર્દના રુહ અફઝામાંથી કમાતા પૈસાનો ઉપયોગ મદરેસા અને મસ્જિદો બનાવવા માટે થાય છે. હમદર્દે રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કરીને સોશિયલ મિડિયા પરથી તેમનો વિડિયો હટાવવાની માગ કરી છે. ત્યાર બાદ રામદેવે પોતાની ટિપ્પણીનો બચાવ કરતાં કહ્યું હતું કે તેમણે કોઈ બ્રાન્ડ કે સમુદાયનું નામ લીધું નથી. આ અંગે સુનાવણી ચાલી રહી છે.
આ પહેલાં પણ કોર્ટે તાજેતરમાં જ રુહ અફઝા વિરુદ્ધ રામદેવની ટિપ્પણી બદલ તેમને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી તેમના અંતરાત્માને આઘાત લાગ્યો છે અને તેનો બચાવ કરી શકાતો નથી. રામદેવે કહ્યું છે કે તેઓ અને પતંજલિ બધી જાહેરાતો દૂર કરશે, પરંતુ આજે જસ્ટિસ અમિત બંસલને કહેવામાં આવ્યું કે કોર્ટના અગાઉના આદેશ છતાં રામદેવે ફરીથી વાંધાજનક નિવેદનો આપતો વિડિયો શેર કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે અગાઉના આદેશને ધ્યાનમાં રાખીને તેમનું સોગંદનામું અને આ વિડિયો પ્રથમ દ્રષ્ટિએ માનહાનિના દાયરામાં આવે છે. હવે હું માનહાનિની નોટિસ જારી કરીશ. અમે તેમને અહીં બોલાવી રહ્યા છીએ.
