રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. સારા વરસાદના કારણે રાજ્યના તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સરદાર સરોવર ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 83.33 ટકા જેટલો ભરાયેલો છે. જ્યારે અન્ય 206 ડેમમાં 77.52 ટકા જળસંગ્રહ છે.
રાજ્યમાં 62 ડેમ 100 ટકા ભરાયેલા છે. 72 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયેલા, 31 ડેમ 50 થી 70 ટકા વચ્ચે ભરાયેલા છે. જ્યારે 25 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. 17 ડેમમાં 25 ટકા ઓછો જળસંગ્રહ છે. રાજ્યમાં 87 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 26 ડેમ એલર્ટ અને 21 ડેમ વોર્નિંગ પર છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન – ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, પૂર્વ મધ્ય ઝોનને બાદ કરતાં રાજ્યના તમામ ઝોનમાં સિઝનનો સરેરાશ 80 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનો સરેરાશ 81.74 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી વધુ 84.58 ટકા, દક્ષિણ ગુજરાતમાં 84.38 ટકા, ઉત્તર ગુજરાતમાં 83.58 ટકા, સૌરાષ્ટ્રમાં 81.25 ટકા તથા પૂર્વ મધ્યમાં 77.19 ટકા વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બનવાની આગાહી કરી હતી. બંગાળની ખાડી અને નવી સિસ્ટમ બનવાને કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય છે. અત્યારે મોનસૂન ટ્રફ, સાઈક્લોનિક સર્ક્યુલેશન, લો-પ્રેશર એરિયા સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદની તીવ્રતા વધે તેવી આગાહી કરી હતી.
