અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશરને કારણે વરસાદ ખાબકવાની શક્યતા છે. રાજ્યના સુરત, વલસાડ, નવસારી, તાપી, દાદરાનગર હવેલી, દમણ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, રાજકોટ અને જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
આ સાથે ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થયું છે. આ એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસાના આગમન પહેલાં જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે મોડી સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. અરબી સમુદ્રમાં ગોવા, કોંકણ પાસે સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમ આગળ વધે તો ગુજરાતના વિસ્તારોમાં પણ અસર વર્તાઈ શકે છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આજથી સાત દિવસ 12થી વધુ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારે કન્ટ્રોલ રૂમ શરૂ કરવા પણ સૂચના આપી દીધી છે.
રાજ્યના ઘણા વિસ્તારોમાં ગુરુવારે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર અને ગોંડલ પંથકમાં ફૂંકાયેલા ભારે પવનને કારણે અનેક વૃક્ષો, હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં હતાં. ભારે પવનના કારણે ઈમારતોની બારીના કાચ તૂટી ગયા હતા.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં રાજ્યના CMએ એલર્ટવાળા જિલ્લાના વહીવટીતંત્રને સતર્કતા રાખવાની સૂચના આપી છે.
હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આગામી એક-બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેને પગલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું 24થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે.
