ગાંધીનગરમાં શંકાસ્પદ ઝિકા વાયરસનો કેસ પોઝિટિવ, આરોગ્ય વિભાગ સતર્ક

ગાંધીનગર: શહેરમાં એક વ્યક્તિમાં ઝીકા વાયરસના લક્ષણો દેખાતા તેમનું સેમ્પલ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઝિકા વાયરસનો કેસ નોંધાતા ગાંધીનગર મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. જે વિસ્તારમાં કેસ નોંધાયો છે ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. એડિસ મચ્છરથી ઝીકા વાયરસ ફેલાતો હોય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 ઝીકા વાયરસના કેસ નોંધાયા છે.આ બાબતે ડોકટરનું કહેવું છે કે,સેક્ટર-5માં રહેતા 75 વર્ષીય વડીલમાં ઝીકા વાયરસના લક્ષણો જણાયા હતા. આથી તેમનું સેમ્પલ પૂણેની લેબમાં મોકલાયું હતું. લેબના રિપોર્ટમાં ઝીકા પોઝિટિવ આવ્યો છે. હાલ દર્દીની સ્થિતિ સારી છે. દર્દીની હાલત સ્થિર હોવાથી તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. જો કે એન્ટી લારવા, ફોગીંગ અને ફીવર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.ઝિકા વાયરસ સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે અને વરસાદ દરમિયાન તેનું જોખમ વધી જાય છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની જેમ ઝિકા પણ વાયરલ ચેપ છે. જ્યારે આનો ચેપ લાગે છે, ત્યારે લોકોને તાવ, માથાનો દુઃખાવો, સાંધામાં દુઃખાવો, સ્નાયુઓમાં દુઃખાવો, લાલ આંખો અને ત્વચા પર ફોલ્લીઓ જેવા લક્ષણો દેખાય છે. ઝિકા વાયરસ મચ્છર કરડવાના 2 થી 7 દિવસમાં ચેપનું કારણ બને છે અને ઘણા કિસ્સાઓમાં તેના લક્ષણો દેખાતા નથી. તેથી ચેકઅપ જરૂરી છે. ડોકટરોના મતે ઝિકા એ સગર્ભા સ્ત્રીઓને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે. આથી સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. લક્ષણો દેખાય કે તરત જ રિપોર્ટ કરાવવો જોઈએ.