ગુજરાતી સાહિત્ય જગતમાં એક મોટી ખોટ પડી છે. જાણીતા નિબંધકાર અને કવિ અનિલ જોશીનું મુંબઈ ખાતે નિધન થયું છે. અનિલ જોશીના પુત્ર સંકેત જોશીએ ફેસબુક પોસ્ટ દ્વારા આ સમાચારની પુષ્ટી કરી છે.
ગુજરાતી નિબંધકાર અને કવિ અનિલ રમાનાથ જોશીએ માંદગી બાદ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમના પુત્ર સંકેત અનિલ જોશીએ ફેસબૂક પોસ્ટ પર આ જાણકારી આપી છે. સંકેતે લખ્યું કે “પપ્પા હવે આપણી સાથે નથી રહ્યા. આજે સવારે તેમણે આ વિશ્વને અલવિદા કહી દીધું છે.” અનિલ જોશી કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત બિમારી સામે લડી રહ્યાં હતાં. હોસ્પિટલમાં તેમની સારવાર પણ ચાલી રહી હતી. હોસ્પિટલમાંથી ડિચાર્જ થયાના થોડા દિવસો બાદ જ તેમણે દેહ છોડી દીધો.
અનિલ રમાનાથ જોશીનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. 1964માં તેમણે એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. અનિલ જોશીની કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે થઈ હતી.
અનિલ જોશીએ હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. આ સિવાય 1971 થી 1976 સુધી તેઓ ‘કૉમર્સ’ સામયિકના તંત્રી રહી ચુક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના પી.એ. પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા. તેમણે 1977થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી છે.
સાહિત્યકારના સર્જનની વાત કરીએ તો કદાચ અને બરફના પંખી જેવા કાવ્યસંગ્રહો લોકપ્રિયા છે. તેમજ પવનની વ્યાસપીઠે લલિત નિબંધસંગ્રહ અને બોલપેન, બારીને પડદાનું કફન, દિવસનું અંધારું છે જેવા નિબંધસંગ્રહથી તેમની લોકપ્રિયતા છે.
