સુરત: ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસના કેર વચ્ચે પરપ્રાંતિય મજૂરોએ પોતાના વતનની વાટ પકડી છે. પરપ્રાંતિય શ્રમિકો હોય કે રાજ્યના બીજા જિલ્લામાંથી કામને લઇને આવેલા લોકો હોય તેઓની પરિસ્થિતિ સૌથી વધુ કપરી જોવા મળી રહી છે. આ બધા વચ્ચે એક શરમજનક ઘટના સામે આવી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા ભાજપના આગેવાન રાજેશ વર્માએ મુસીબતમાં ફસાયેલા મજૂરો પાસેથી ટ્રેનની ટિકિટ અપાવવાના બહાને લાખો રૂપિયા ઉઘરાવી લીધા હોવાનું સામે આવ્યું છે. મજૂરો ટિકિટ લેવા વર્માની ઓફિસ કે ઘરે જાય ત્યારે તેઓ મજૂરો સાથે ઝઘડો કરતા, ગૂંડાગીરી કરતા હતા. એક મજૂરે તેના ગ્રુપના સભ્યોએ આપેલા 1.16 લાખ રૂપિયા પરત માંગતા રાજેશ વર્માએ તેને લાકડાનો ફટકો મારી એનું માથું ફોડી નાખ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. શ્રમિકોની ફરિયાદના આધારે કટકીબાજ રાજેશ વર્માની ધરપકડ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, હાલમાં શહેરમાં રહેતા અન્ય રાજ્યના મજૂરોને તેમના વતન જવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેન ચલાવાઈ રહી છે. આ ટ્રેનોમાં જવા માટે ભાજપના કાર્યકરો મજૂરોનું રજીસ્ટ્રેશન કરીને તેમની પાસેથી રૂપિયા લઈને પછી રેલવે સ્ટેશનેથી ટિકિટો ખરીદીને મજૂરોને તે ટિકિટ આપી રહ્યા છે. ભાજપે ઝારખંડ જનાર મજૂરોની વ્યવસ્થાનું કામ જે ચારેક જણાને સોપ્યું છે તેમાં એક રાજેશ વર્મા છે. તેને લિંબાયતમાં મહારાણા ચોક પાસે આવેલ તેની ઓફિસમાં સેંકડો મજૂરો પાસેથી લાખો રૂપિયા લઈ લીધા છે. તેને જેમની પાસેથી રૂપિયા લીધા તે તમામને ટિકિટો આપી નથી. ઝારખંડના સેંકડો મજૂરો તેની ઓફિસે જઈને ધક્કા ખાઈ રહ્યા છે. મજૂરોનો આક્ષેપ છે કે, રાજેશ વર્માએ બે-બે હજાર રૂપિયામાં ટિકિટ બ્લેકમાં વેચી નાખી છે.
રાજેશની ઓફિસે આવેલા રાજકુમાર રાયના જણાવ્યા અનુસાર બે ટિકિટના 1600 રૂપિયા રાજેશને 5 મી તારીખે આપ્યા હતા. તેને 6 તારીખે ટિકિટ આપવાની વાત કરી પરંતુ હજી સુધી ટિકિટ આપી નથી. વાસુદેવ નામના યુવકને એમણે માર માર્યો હતો.