અમદાવાદ:  કોરોનાના દર્દીઓને થયું હર્બલ ટીનું બંધાણ!

અમદાવાદ: અહીંની સિવિલ હોસ્પિટલમાં COVID-19ની સારવાર લઈ રહેલા દર્દીઓને સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા એટલે કે હર્બલ ટી આપવામાં આવે છે. આ તમામ દર્દીઓને એલોપથીની સારવારની સાથોસાથ તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે (દશમૂલ ક્વાથ + પથ્યાદિ ક્વાથ) 40 મિલી તેમજ એક ગ્રામ ત્રિકટુ મિશ્રિત ઉકાળો સવાર-સાંજ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત, દર્દીઓ માટે નિયત ડાયેટ પ્લાન પણ લાગુ કરવામાં આવ્યો છે.

નવાઈની વાત એ છે કે, અહીંના દર્દીઓને હવે હર્બલ ટીનો ટેસ્ટ એટલો ગમી ગયો છે, જાણે એક પ્રકારનું બંધાણ થઈ ગયું છે. હોસ્પિટલના તંત્ર દ્વારા થોડું પણ મોડું થાય તો દર્દીઓ સામેથી માંગણી કરે છે કે હર્બલ ટી આપો. અહીં રોજ સવારે છ વાગ્યે તમામ દર્દીઓને હર્બલ ટી આપવામાં આવે છે. ગળામાંનું ઇન્ફેકશન ઘટાડવાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ હર્બલ ખૂબ ઉપયોગી પુરવાર થઇ છે.

અહીં સારવાર લઈ રહેલા એક દર્દી આ હર્બલ ટી ફાયદાકારક હોવાનું જણાવતાં કહે છે કે, ‘અમે જ્યારથી હર્બલ ટી પીવાનું શરૂ કર્યું છે ત્યારથી શરીરમાં એક પ્રકારની નવી ચેતનાનો સંચાર થયો છે અમે સ્પષ્ટ માનીએ છીએ કે અન્ય એલોપેથિક દવાઓની સાથે સાથે આ હર્બલ-ટી ના પ્રયોગથી અમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો છે.

આ લોકડાઉનમાં તમે ઘરે પણ આ હર્બલ ટીનો પ્રયોગ કરી શકો છો

ઘરે હર્બલ ટી કેવી રીતે બનાવશો? (100 મિલી ચા માટે)તજ – 1 ગ્રામ, મરી – 3 નંગ, સૂંઠ – 1 ગ્રામ, મુન્નકા (કાળી) દ્રાક્ષ – 10 નંગ, તુલસી/ફૂદીનાનાં પાન – 20 નંગ, દેશી ગોળ – 5 ગ્રામ, લીંબુ – અડધી ચમચી.

આ પ્રકારે બનાવેલી આયુર્વેદિક ચાનું દરરોજ સવારે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.