લેસ્ટરના આ ગુજ્જુભાઇ હવે બ્રિટનની સંસદ ગજાવશે?

​ઓગણત્રીસ રાજ્ય અને સાત કેન્દ્રશાસિત પ્રદેશ ધરાવતા આપણા આ ભારત દેશમાં તો જાણે બારેમાસ કોઇક ને કોઇક પ્રકારની ચૂંટણી ચાલતી જ હોય છે. એટલે એની ચર્ચા તો આપણે વારંવાર કરીએ જ છીએ, પણ ચૂંટણી છેક સાત સમંદર પાર બ્રિટનમાં હોય, એના પ્રચારના લખાણો ગુજરાતી ભાષામાં હોય તો એની ય ચર્ચા કરવી પડે. આમ પણ, બ્રિટનની આ ચૂંટણીમાં કોની જીત થાય છે એના પર ફ્કત બ્રિટન કે યુરોપના દેશોની જ નહીં, આખા ય વિશ્વની નજર છે.

વળી, આગામી 12 ડિસેમ્બરે યોજાનારી બ્રિટનની આ સંસદીય ચૂંટણીના પરિણામો બ્રેક્ઝિટ અને બીજા અનેક મુદ્દાઓ પર બ્રિટનનું ભાવિ નક્કી કરવાના છે ત્યારે બ્રિટનના ઇતિહાસમાં અનેક રીતે મહત્વની અને દિશાદર્શક પૂરવાર થનાર આ ચૂંટણીમાં આપણા એક ગુજરાતી નામે ભૂપેન દવે પણ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે લેસ્ટરમાંથી લડી રહ્યા છે. એક અર્થમાં આપણામાંથી કોઈક આ ચૂંટણી લડી રહ્યું છે અને આપણામાંના જ કેટલાક આ ચૂંટણીમાં મત આપવાના છે….

કોણ છે આ ભૂપેન દવે?

આમ તો ભૂપેન દવેનો જન્મ થયો યુગાન્ડામાં, બાપદાદાના મૂળીયાં છેક પશ્ચિમી ગુજરાતના દરિયા કાંઠે પોરબંદરને અડીને આવેલા મજેવાણા ગામે નીકળે. ભૂપેનભાઇ અઢાર વર્ષના હતા ત્યારે એમના પરિવારે રાતોરાત ઘરબાર છોડીને બ્રિટનમાં આશરો લેવો પડેલો. 1972માં યુગાન્ડાના શાસક ઇદી અમીને જે રીતે પરદેશી વસાહતીઓને તગેડ્યા ત્યારે ત્યાં વસતા ગુજરાતી ભારતીયોએ બ્રિટન સહિત દુનિયાના જૂદા જૂદા દેશોમાં શરણ લેવું પડ્યું હતું એ ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ.

બ્રિટન આવ્યા પછી ભૂપેનભાઇએ ગ્રેજ્યુએશન પૂરૂ કર્યું અને પછીથી મેનેજમેન્ટનું પણ ભણ્યા. લેસ્ટરના જાહેરજીવનમાં રસ લેવાનું શરૂ કર્યું. ગુજરાતીઓ અને ભારતીયોના પ્રશ્નોમાં વિશેષ રસ લેતા આવેલા ભૂપેનભાઇ કન્ઝર્વેટિવ પાર્ટી સાથે સંકળાયેલા છે અને અત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીમાં ગુજરાતી-ભારતીય સમુદાયના સૌથી વગદાર નેતા તરીકે તેમની ગણના થાય છે.

કેવી રીતે આવ્યા જાહેરજીવનમાં?

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ભૂપેનભાઇ કહે છે કે યુગાન્ડાથી બધું મૂકીને આવ્યા એમણે જોયું કે આપણા લોકોની સ્થિતિ બહુ દુઃખદ છે. ગુજરાતીઓ અને ભારતીયોમાં એક કોમ્યુનિટી, એક સમુદાય હોવાનો જે જુસ્સો જોઇએ એ તૂટી ગયો છે. લોકો વેરવિખેર થઈ ગયા છે. જો સમુદાય સાથે નહીં હોય તો એમના પ્રશ્નોનું શું?

સમુદાયના લોકોને એક તાંતણે બાંધી રાખવા માટે કંઈક તો કરવું જોઈએ એવી ભાવનાથી એમણે ધીમે ધીમે સામાજિક પ્રશ્નો ઉકેલવાની દિશામાં કામ શરૂ કર્યું. ગુજરાતીઓ-ભારતીયોને વધારે વેલ્ફેર સુવિધાઓ મળે, સાંસ્કૃતિક આદાનપ્રદાન વધે અને સમુદાયના લોકો એકબીજા સાથે વધારે હળમળે એ દિશામાં એ પ્રયત્નશીલ રહયા. રહેણાંકના પ્રશ્નો હલ કરવા માટે 1981માં હાઉસિંગ એસોસિએશન ની શરૂઆત કરી. એશિયન સમુદાયના લોકો માટે આ સુવિધા પહેલીવહેલી હતી. ફક્ત દસ વર્ષના ગાળામાં મોટી ઉંમરના વડીલો સન્માનપૂર્વક રહી શકે એ પ્રકારનું ઓલ્ડએજ હોમ બનાવ્યું. ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનતી આપણી મહિલાઓ મુશ્કેલીમાં મૂકાતી કારણ કે, પરદેશની ધરતી ઉપર એમને સાંભળનારું કોઈ નહોતું. ભૂપેનભાઇએ તેમના પ્રશ્નો સંભળાય અને તેમને યોગ્ય મદદ મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરી.

1999માં એ લેસ્ટર સિટી કાઉન્સિલમાં ડેપ્યુટી લીડર બન્યા. કોઈપણ ભારતીય-એશિયન આ રીતે ડેપ્યુટી લીડર બને એ મહત્વની ઘટના હતી. મજાની વાત જુઓઃ 1972માં એમનો પરિવાર યુગાન્ડા છોડીને બ્રિટન આવ્યો ત્યારે આખા બ્રિટનમાં લેસ્ટર એક જ એવું ગામ હતું જ્યાં સ્થાનિકોએ યુગાન્ડાથી આવતા શરણાર્થીઓ માટે મનાઇ ફરમાવી હતી! વર્ષો પછી એ જ લેસ્ટરમાં ભૂપેનભાઇ સિટી કાઉન્સિલના ડેપ્યુટી લીડર બન્યા!

ડેપ્યુટી લીડર તરીકે એમણે ઉત્તર ભારતમાં વૃંદાવનમાં વનીકરણના યુનાઇટેડ નેશન્સના એક પ્રોજેક્ટ માટે કમ્યુનિટીના લોકોને ભેગા કરીને બે હજાર પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવામાં મહત્વનો ભાગ ભજવેલો. એ જ રીતે ચાઇનાના એક ગામ સાથે પ્રોજેક્ટ હાથ ધરવાની દરખાસ્ત કાઉન્સિલ પાસે આવી ત્યારે તેમણે ચાઇનાના બદલે આ પ્રકારનો પ્રોજેક્ટ ભારતમાં હાથ ધરવો જોઈએ એ મુદ્દો ઉઠાવ્યો. ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સાથે મુલાકાત થઈ. રાજકોટમાં આ પ્રોજેક્ટ હાથ ધરવાનું સૈદ્ધાંતિક રીતે નક્કી પણ થયું. પરંતુ કોઇ કારણસર સિટી કાઉન્સિલમાં નિયમો બદલાયા. એમનો પોતાનો વિભાગ પણ બદલાયો એટલે આ પ્રોજેક્ટ આગળ ન વધી શક્યો. આ જ રીતે લઘુમતી  સમુદાયોમાં વિવિધ ધર્મના ધર્મસ્થાનો માટે જગ્યા મળી રહે એ માટે એમણે અર્બન ડેવલપમેન્ટ વિભાગના ચેરમેન તરીકે છ એકરની જમીનમાં મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા સહિતના તમામ ધર્મસ્થાનો બને એવો પ્રોજેક્ટ બનાવ્યો, પણ કમનસીબે સાકાર ન થયો.

શું છે બ્રિટનનું હાલનું રાજકીય ચિત્ર?

આમ તો બ્રિટનમાં રહેતા લગભગ ૭૦,૦૦૦ ભારતીયો પરંપરાગત રીતે લેબર પાર્ટીના સમર્થક રહ્યા છે. કારણ એ છે કે શરણાર્થી તરીકે કે અન્ય રીતે બ્રિટનમાં આવીને વસેલા લોકો મોટાભાગે લેબર જોબ કરતા અને લેબર પાર્ટી સાથે રહવેથી એમના હિતોનું રક્ષણ થતું. એટલે ભારતીય સમુદાયનું પણ લેબર પાર્ટીને સમર્થન મળતું રહેવું સ્વાભાવિક હતું.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતીયો લેબર પાર્ટી છોડીને કન્ઝર્વેટિવ પક્ષ તરફ વળ્યા છે એમાં સૌથી વધારે મહત્વનું કારણ લેબર પાર્ટીનું ભારત પ્રત્યેનું વલણ છે. ખાસ કરીને, હમણાં કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવ્યા પછી લંડનમાં જે રીતે ધરણાં યોજાયો, એમાં લેબર પાર્ટીના આગેવાનોએ ભાગ લીધો અને ભારત વિરુદ્ધ ઉચ્ચારણો કર્યા અને ભારતના આ પગલા સામે એક ઠરાવ પસાર કર્યો એ બધા કારણસર લેબર પાર્ટીથી ભારતીયો ખૂબ નારાજ હોવાનું મનાય છે. સમુદાયના કેટલાય આગેવાનો લેબર પાર્ટી છોડીને કન્ઝર્વેટિવ તરફ પણ વળ્યા છે.

સામે પક્ષે કન્ઝર્વેટિવ પાર્ટી ભારતીયો માટે તટસ્થ હોવાનું મનાય છે, સાથે સાથે બિઝનેસ ફ્રેન્ડલી પણ છે એટલે સમર્થકો માને છે કે ભારત સાથે આ જ પક્ષ વધારે સારા સંબંધો બનાવી શકશે.

વર્તમાન સરકારમાં જ ગુજરાતી મૂળના એવા પ્રીતિ પટેલ મહત્વના હોદ્દા પર રહ્યા એ પણ દર્શાવે છે કે કન્ઝર્વેટિવ્સમાં હવે ગુજરાતી-ભારતીયોનું કદ વધતું જાય છે.

કઇ રીતે ભૂપેનભાઇ કરે છે પ્રચાર?

છે બ્રિટનની સંસદીય ચૂંટણી, પણ એનું કેટલું પ્રચાર સાહિત્યા ગુજરાતીમાં પણ ફરતું જોવા મળે છે. લેસ્ટર તો ગુજરાતીઓનું હબ છે જ. અહીંના લગભગ 40,000 જેટલા ભારતીયોમાંથી ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે.

અલબત્ત, મતોનું ગણિત જોઇએ તો, લેબર પાર્ટીના અહીં ૧૨ થી ૧૫ હજાર મત પાક્કા ગણાય છે એટલે દેખીતી રીતે એમનો હાથ ઉપર છે અને ભૂપેનભાઇ માટે કપરાં ચઢાણ છે. પરંતુ ભૂપેનભાઇ કહે છે એમ તેમની વ્યક્તિગત ઈમેજ અને સમુદાય માટે કરેલા કામો એમને મદદ કરશે. એ આજકાલ નેશનલ હેલ્થ સર્વિસ, ભારતીયોને ઇમીગ્રેશનમાં પડતી મુશ્કેલીઓ, દિવાળી જેવા તહેવારોના દિવસોમાં વધતા જતા ચોરી લૂંટના બનાવો જેવા મુદ્દાઓ પર વાત કરે છે.

એ કહે છેઃ આપણા લોકો માટે ઇમિગ્રેશનને લગતા પ્રશ્નો છે. જો હું ચૂંટાઇશ તો લોકોની આ અપેક્ષા પણ પૂરી કરીશ.

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

આમ તો એ વર્ષોથી બ્રિટનના જાહેરજીવનમાં કાર્યરત છે. સંસદમાં ચૂંટાયા પછી તેમના મનમાં પેલા રાજકોટના અધુરા રહી ગયેલો પ્રોજેક્ટ જેવો કોઇક પ્રોજેક્ટ ગુજરાત સાથે કરવાની ઇચ્છા છે. મનમાં ઉંડે ઉંડે છે કે માતૃભૂમિનું ઋણ કોઇક રીતે ચૂકવી શકાય તો ચૂકવવું. એમનો જન્મ યુગાન્ડામાં થયો છે, એમનું દિલ તો ગુજરાતી જ છે અને છેલ્લે તો દિલ ગુજરાત… ગુજરાત પોકારે જ ને?

(કેતન ત્રિવેદી)

(તસવીરોઃ દીપક જોશી-યુ.કે.)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]