શિયાળુ પાક માટે પાણી નહીં મળે તો ખેડૂતો સામુહિક આત્મહત્યા કરશે

અમદાવાદઃ ગુજરાતની રાજસ્થાન સાથે જોડાયેલી બોર્ડરની આસ-પાસના ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી ઉપ્લબ્ધ નથી થઈ રહ્યું. ખેડૂતોનું કહેવું છે કે જ્યારે અમે રજૂઆત કરીએ તેના બાદ એક-બે દિવસ જ કેનાલથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. ત્યારબાદ તેને ફરીથી બંધ કરી દેવામાં આવે છે. સરકારના આ વલણથી નારાજ રાછેણા ગામ અને તેની આસપાસના ગામડાના આશરે 300 જેટલા ખેડૂતોએ સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી આપી છે. ખેડૂતોએ કહ્યું છે કે તેમને સિંચાઈ માટે કેનાલમાંથી પાણી આપવામાં નહી આવે તો પછી તેઓ સામૂહિક આત્મહત્યા કરશે.  

ગુજરાતમાં આ વર્ષે 140 ટકાથી પણ વધારે વરસાદ થયો છે. રાજ્યમાં આવેલા મહા વાવાઝોડાના કારણે જે વરસાદ થયો તેમાં ખેડૂતોનો પાક પણ બરબાદ થઈ ગયો હતો. હવે તેમને સિંચાઈ માટે સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉત્તર ગુજરાતના કેટલાક ખેડૂતોએ રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોની માંગ છે કે તેમને સિંચાઈ માટે પાણી પુરું પાડવામાં આવે. આ સિઝનમાં અત્યાર સુધી તેમને આ સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે. ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો શનિવાર 7 ડિસેમ્બર સુધીમાં પાણીની સુવિધા ન મળી તો 300 ખેડુતો મામલતદાર ઓફિસની સામે સામૂહિક આત્મહત્યા કરશે.

ખેડૂતોએ કહ્યું છે કે નર્મદાનું પાણી ન મળવા પર તેમની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ઘણા ખેડૂતો પર દેવાનું ભારણ વધી ગયું છે. હવે આ દેવું વધતું જ જઈ રહ્યું છે. તેમના અનુસાર, સરકારને ખેડૂતો તરફ ધ્યાન આપવું જોઈએ. કારણ કે ખેડૂતોની આવકનો સહારો ખેતી જ છે. જો ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો તો તે લોકો પોતાના પરિવારનું ભરણ-પોષણ કેવી રીતે કરશે? તો બીજી તરફ મામલતદારે જણાવ્યું કે ખેડૂતોની સિંચાઈની સમસ્યાઓનું જલ્દી જ સમાધાન લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ મામલે સંબંધિત મંત્રીઓ તેમજ વિભાગ સાથે વાત કરીને ખેડૂતોના હિતમાં પગલા ભરવામાં આવશે.