અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાશે?

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના ચારે બાજુ કાંગરા ખરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન ગુજરાતની મુલાકાતે આવે તે પહેલાં ઓપરેશન લોટસ ફુલ ફલેજમાં શરૂ થયું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે આપેલા રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં કેસરિયા કરે એવી શક્યતા છે.

અર્જુન મોઢવાડિયા ન માત્ર કોંગ્રેસ પક્ષને છોડશે, પરંતુ ભાજપમાં જોડાશે તેવી પ્રબળ સંભાવના છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં શરૂ થાય એ પહેલા જ અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાય એવી શક્યતા છે. તેઓ કોંગ્રેસના ધારાસભ્યપદ પરથી રાજીનામું પણ આપે એવી ધારણા છે.

કોંગ્રેસ પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલે અંબરીશ ડેરની હકાલપટ્ટીની વાત કરી ત્યારે તેમણે અર્જુન મોઢવાડિયાના એક ચોક્કસ નિવેદનને ટાંકીને આવા નેતાઓને ભાજપમાં જોડવામાં આવી રહ્યાની ટકોર કરી હતી. જેથી એ વાતને બળ મળે છે કે અર્જુન મોઢવાડિયાને લઇને કોંગ્રેસે પણ હવે મન બનાવી લીધું છે.

ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ પૈકીના અર્જુન મોઢવાડિયા સૌથી સિનિયર નેતા છે. પોરબંદરમાં જાતિનું જે સમીકરણ છે, મેર અને લેઉવા પાટિદારનું ત્યાં પ્રભુત્વ છે.એટલે જ સ્વાભાવિક રીતે જ જો અર્જુન મોઢવાડિયા ભાજપમાં આવે તો પોરબંદરની જે બેઠક છે, કે જ્યાં મનસુખ માંડવિયા પહેલી વખત ચૂંટણી લડવા જઇ રહ્યા છે, તે બેઠક વનવે થવા સાથે હાઇએસ્ટ માર્જિન જોવા મળી શકે છે.

છેલ્લા એક દોઢ મહિનાથી અર્જુન મોઢવાડિયાની ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. સરકારના જુદા-જુદા મંત્રીઓ દ્વારા તેમને સંપર્ક કરવામાં આવ્યો હોવાની વાતો હતી. અર્જુન મોઢવાડિયાને લઇને કોંગ્રેસ હવે કોઇ પ્રકારનો બચાવ કરતી જોવા નથી, તે પરથી જ અર્જુન મોઢવાડિયાની કોંગ્રેસ છોડવાની વાત લગભગ કન્ફર્મ જોવા મળી રહી છે.

આ પહેલાં અંબરીશ ડેરે જણાવ્યું હતું કે કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે તેવું મારા ધ્યાનમાં હજી સુધી આવ્યું નથી. તેમણે કહ્યું હતું કે  હું રાજકારણમાં આવ્યો છું ત્યારથી પદ માટે દોડ્યો નથી. હવે હું ભાજપમાં જોડાઈશ અને ભાજપમાં મને જે પણ જવાબદારી મળશે તેને હું નિભાવીશ. મેં ભાજપમાં આવવા માટે કોઈ સોદો કર્યો નથી. તેમણે એવું પણ કહ્યું હતું કે, તેઓ કોઈની ટીકા કરવા ઇચ્છતા નથી. આ ઉપરાંત તેમણે તે પણ કહ્યું હતું કે કોંગ્રેસે રામ મંદિર અંગે જે વલણ દાખવ્યું હતું તેનાથી તેઓ નિરાશ થયા હતા.