અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાનનો પ્રારંભ સવારે સાત કલાકથી શરૂ થઈ ચૂક્યો છે. ધારી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા, મોરબી અને લીંબડી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ આ બેઠકો જીતવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધું છે. જોકે ભાજપ-કોંગ્રેસના 16 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોરોના કાળમાં પ્રથમ વાર મતદાન યોજવામાં આવ્યું હોવાથી સામાજિક અંતર રાખીને મતદારોને મતદાન કરવા દેવાય છે. મતદાન પહેલાં થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને મતદારોને અંદર જવા દેવામાં આવી રહ્યા છે. સવારના બેથી અઢી કલાકમાં 8થી 9 ટકા મતદાન થયું હતું.
કુલ 18.75 લાખ મતદારો મતદાન કરશે
આ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં પર કુલ 18,75,032 મતદારો મત આપશે, જેમાં 9,05,170 મહિલા અને 9,69,834 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. કુલ 3024 મતદાન મથક પર મતદારો મતદાન કરશે. આ પેટા ચૂંટણીમાં 81 ઉમેદવારોનું ચૂંટણીભાવિ EVMમાં કેદ થશે. કોવિડની માર્ગદર્શિકા મુજબ એક બુથ પર 1500ના બદલે 1000 મતદારો જ મતદાન કરી શકશે. મતદારો માટે 3400 થર્મલ ગન, 41 હજાર N-95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર હેન્ડ ગ્લોઝ કર્મચારીઓ માટે વપરાશે. 21 લાખ પોલિથિન હેન્ડ ગ્લવ્ઝ મતદારો માટે ફાળવવામાં આવ્યાં છે. માસ્ક વગર આવનાર મતદારોને બૂથ પર જ માસ્ક આપવામાં આવશે, પોલિંગ પાર્ટી માટે આઠ હજાર PPE કિટની વ્યવસ્થા કરવામાં આવી છે.
Today, there are by-polls taking place in various places across India. I urge those voting in these seats to vote in large numbers and strengthen the festival of democracy.
— Narendra Modi (@narendramodi) November 3, 2020
આ ચૂંટણીમાં કોરોનાના દર્દીઓ પણ મતદાન કરી શકશે. સાંજે 5.00થી 6.00 દરમિયાન દર્દીઓ માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓ પીપીઈ કિટ પહેરી અને મત આપવા માટે આવી શકશે. જ્યારે અન્ય તમામ મતદારોએ માસ્ક પહેરીને મતદાન કરવા આવવાનું રહેશે.
કપરાડામાં EVM ખોટકાયું
વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠાના મતદાન બૂથ પર મશીન ખોટકાયું હતું. જોકે ઝોનલ ઓફિસરે શાળા પર આવી વીવીપેટ બદલ્યું હતું.
મોરબી માળિયામાં EVMમાં ધાંધિયા
મોરબી માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે EVM ધાંધિયા જોવા મળ્યા. કાલિકા પ્લોટ વિસ્તારમાં EVM મશીન હજુ પણ બંધ છે. તો સ્મિથ પ્રાથમિક સ્કૂલમાં ૨૧૨ નંબરના બૂથમાં પણ ઇવીએમ બંધ હાલતમાં જોવા મળ્યા.
કરજણમાં પણ EVM ખોટકાયું
કરજણના વેમારડી ગામે EVM ખોટકાયું હતું. મતદારો લગભગ 30 મિનિટ સુધી કેન્દ્રની બહાર ઉભા રહ્યા હતા. છતા મતદાન શરૂ થયું ન હતું.
ગઢડાની એમ. એમ. હાઇસ્કૂલમાં EVM બંધ
ગઢડાની એમ.એમ.હાઈસ્કૂલમાં સવારની પહોરમાં જ EVM બંધ થયું હતું. મતદાન શરૂ થયાની સાથે જ EVM ખોટકકાયું હતું બૂથ નંબર 203 માં EVM મશીન બંધ થયું હતું. આ ઘટનાને પગલે ચૂંટણી અધિકારીઓ દોડી આવ્યા હતા.
ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ
ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્નાની સીધી દેખરેખ હેઠળ ચૂંટણી પંચ કાર્યાલયમાં વેબ કાસ્ટિંગ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં 900 કેમેરાથી સજ્જ મતદાન મથકો ઉપર સીધું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.