ગુજરાતના મતદારો માટે આ ચૂંટણીમાં કયા મુદ્દા મહત્વના? જાણો શું કહે છે સર્વે…

અમદાવાદઃ એસોસિયેશન ફૉર ડિમોક્રેટિર રિફોર્મ્સ(એ.ડી.આર) સંગઠન દ્વારા 2018ના વરસમાં ગુજરાતની 26 બેઠકોને આવરી લેતા ગ્રામીણ-શહેરી વિસ્તારના કુલ 13,000 મતદારોનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં એમણે લોકસભા ચૂંટણીને લગતા વિવિધ મુદ્દાઓ પર મતદાર શું વિચારે છે એનું તારણ મેળવ્યું છે. સર્વેનો હેતુ કયો પક્ષ જીતશે કે લોકોનું માનસ કેવું છે એ જાણવાનો નહીં, પણ લોકતંત્રના નાગરિક તરીકે, મતદાર તરીકે ગુજરાતની પ્રજા કેવો અભિગમ ધરાવે છે, ચૂંટણીની વહીવટી બાબતોમાં કેવી માહિતગાર છે અને ઉમેદવારોને-સરકારને કેવાં દ્રષ્ટિકોણથી જુએ છે વગેરે વ્યાપક બાબતોને તપાસવાનો હતો.

એ.ડી.આર. દ્વારા કરવામાં આવેલા આ સર્વે પ્રમાણે ગુજરાતના 42.68 ટકા મતદારો માટે રોજગારીની તક મહત્વનો મુદ્દો છે તો 37.12 ટકા મતદારો માટે પીવાનું પાણી મહત્વનો મુદ્દો છે. 30.23 ટકા મતદારોએ સારી હોસ્પિટલ્સ અને સારી સ્વાસ્થ્ય સેવાઓને મહત્વનો મુદ્દો કહ્યો છે.

ગ્રામ્ય વિસ્તારમાં 46 ટકા લોકો માટે સિંચાઈ-ખેતી માટે પાણીની ઉપલબ્ધિ એ સૌથી મહત્વનો મુદ્દો છે, જ્યારે ખેતી માટેનું ધિરાણ(લૉન) અને બિયારણને 45 ટકા લોકો માટે તો ખાતર પરની સબસિડી એ 44 ટકા માટે મહત્વનો મુદ્દો છે. મતદારોના મતે આ મુદ્દાઓ પર સરકારને પાંચમાંથી પોઈન્ટ આપવાના હોય અનુક્રમે 2.43, 2.37 અને 2.15 પોઈન્ટની કામગીરી સરકારે બજાવી છે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ સરકારને રોજગારીની તકો બાબતે પાંચમાંથી 2.35 અને ખેતપેદાનોના ભાવ મુદ્દે પણ પાંચમાંથી 2.39 પોઈન્ટ જ આપ્યા છે.

શહેરી વિસ્તારના નાગરિકોમાં ટ્રાફિક સમસ્યા(49 ટકા), ધ્વનિ પ્રદૂષણ(47 ટકા) અને રોજગારીની તક(45 ટકા) સૌથી મહત્વના મુદ્દા લાગ્યા હતા. લોકોએ પાંચમાંથી ટ્રાફિક મુદ્દે સરકારને 2.23, ધ્વનિ પ્રદૂષણ મુદ્દે 2.2 અને રોજગારીની તકો બાબતે 2.31 પોઈન્ટ આપ્યા હતા. એ જ રીતે નાગરિકો તરફથી સરકારને આરોગ્ય સુવિધામાં 2.27 અને પીવાના પાણી મુદ્દે 2.31 પોઈન્ટ મળ્યા હતા.

મતદારોએ સર્વેમાં જણાવ્યા પ્રમાણે 83 ટકા લોકોને લાગે છે કે મતદાન બાબતે એમનું પોતાનું મંતવ્ય મહત્વનું હોય છે, જ્યારે 7 ટકા લોકો માટે પરિવારનો નિર્ણય અને 5 ટકા લોકો માટે પતિ/પત્નીનું મંતવ્ય પણ ભૂમિકા ભજવે છે.

20 ટકા મતદારો એવું પણ માને છે કે દારૂ, પૈસા કે ભેટસોગાદ વગેરેની મતદાન પર અસર થાય છે. 64 ટકા મતદારોને ખયાલ છે કે આ પ્રકારે ભેટસોગાદ કે પૈસા આપવા એ ગેરકાયદે છે. 35 ટકા મતદારોએ એવું સ્વીકાર્યું હતું કે ગત ચૂંટણીમાં આ ગેરરીતિનું આચરણ થયાની એમને જાણ છે.

98 મતદારોએ સ્પષ્ટ કહ્યું હતું કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને સંસદ કે વિધાનસભામાં ન મોકલવા જોઈએ, પણ માત્ર 42 ટકા લોકોને જ ખયાલ છે કે ઉમેદવારના ગુનાઓનો ઈતિહાસ જાણી શકાય છે. જોકે 38 ટકા મતદારોએ એવું પણ કહ્યું હતું કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવા છતાં ઉમેદવાર ચૂંટાય એનું કારણ એણે કરેલાં સારાં કાર્યો હોય છે, તો 36 ટકા લોકો માને છે કે એનું કારણ જ્ઞાતિ-ધર્મ વગેરે હોય છે.

એ.ડી.આર. સાથે સંકળાયેલાં ગુજરાતનાં સામાજિક કાર્યકર્તા પંક્તિબહેન જોગ chitralekha.comને જણાવે છે કે “આ સર્વેમાં સૌથી મોટો નિષ્કર્ષ એ નીકળે છે કે એ ગામડાઓમાં જે મતદારોએ ખેતી-પાણી-વીજળીના પ્રશ્નોને મહત્વના ગણાવ્યા છે એ મુદ્દાઓ પર ભૂતકાળમાં ગુજરાતમાં આંદોલનો પણ થયા છે. આ મુદ્દાઓ મહત્વના હોવા છતાં રાજકીય નેતાઓ ને ઉમેદવારો કેમ એ બાબતે વાત કરતા નથી.”

અહેવાલઃ સુનીલ મેવાડા / તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ