ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પરિવારમાં રાજકીય મતભેદઃ બહેન કોંગ્રેસમાં જોડાયાં; પત્ની રીવાબા ભાજપમાં છે

જામનગર – સૌરાષ્ટ્રના આ શહેરના રાજકારણમાં રોમાંચક વળાંક આવ્યો છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયાં છે.

રવિન્દ્રનાં પત્ની રીવાબા જાડેજા એક મહિના અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયાં હતાં. આમ, ભોજાઈ અને નણંદ રાજકીય ક્ષેત્રમાં આમનેસામને આવી ગયાં છે.

નયનાબા ગઈ કાલે રવિવારે જામનગર લોકસભા મતવિસ્તારમાં કાલાવાડ વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાયાં હતાં.

એ પ્રસંગે કોંગ્રેસના યુવા નેતા અને પાટીદાર સમાજનાં નેતા હાર્દિક પટેલ પણ ઉપસ્થિત હતા અને એમણે કાલાવાડમાં જાહેર સભાને સંબોધિત કરી હતી.

ગુજરાતમાં લોકસભાની 26 સીટ છે. ચૂંટણીના ત્રીજા રાઉન્ડમાં ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે.

નયનાબાએ કહ્યું કે, ‘હું ઘણા લાંબા સમયમથી કોંગ્રેસમાં જોડાવા વિચારતી હતી. લોકોએ ભાજપને કેન્દ્રમાં રાજ કરવા માટે પાંચ વર્ષ આપ્યા, પણ ભાજપે કિસાનો અને મહિલાઓને નડતા ઘણા પ્રશ્નો ઉકેલ્યા નથી.’

‘મને જણાયું કે મારે સમાજ માટે અમુક કામ કરવું જોઈએ અને કોઈ પાર્ટીમાં જોડાવાથી જ અવાજ સંભળાશે એટલે રાજકારણમાં આવી છું ને કોંગ્રેસમાં જોડાઈ છું’, એમ તેમણે કહ્યું.

જાડેજાનો પરિવાર રાજકોટમાં પણ રહે છે. નયનાબા રાજકોટ શહેરમાં ભાઈ રવિન્દ્રની માલિકીની રેસ્ટોરન્ટ ‘જડ્ડુઝ’નું સંચાલન કરે છે.

નયનાબાએ કહ્યું કે, ‘મારાં પિતા કોંગ્રેસમાં જોડાયા નથી, પણ મને એમણે નૈતિક ટેકો આપ્યો છે.’

તમારાં ભાભી રીવાબા કોંગ્રેસમાં નહીં ને ભાજપમાં શા માટે જોડાયાં? એવા સવાલના જવાબમાં નયનાબાએ કહ્યું કે ‘એ એમનો નિર્ણય છે, મેં એમને અટકાવ્યાં નહોતાં. અમે જ્યારે એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરીએ ત્યારે બીજી બાજુ કોઈ મહિલાને એની ઈચ્છા પ્રમાણેની પાર્ટીમાં જોડાવામાં કેવી રીતે અટકાવી શકીએ.’

શું તમારાં ભાઈ રવિન્દ્ર પણ કોંગ્રેસમાં જોડાશે? એવા સવાલના જવાબમાં નયનાએ કહ્યું કે, ‘મારાં ભાઈ તટસ્થ વિચારોવાળા છે.’

નયના અપરિણીત છે અને જામનગરમાં જી.જી. હોસ્પિટલના ભૂતપૂર્વ પેરામેડિક છે. એ ગયા ફેબ્રુઆરીમાં નવા રચાયેલા નેશનલ વીમેન્સ પાર્ટીમાં જોડાયાં હતાં.

રવિન્દ્ર જાડેજા એના પત્ની રીવાબા સાથે

ઉલ્લેખનીય છે કે, ભાજપમાં જોડાતાં પહેલાં રીવાબા કરણી સેનામાં સામેલ થયાં હતાં. એમને જામનગર લોકસભા બેઠક માટે ભાજપ ટિકિટ આપે એવી ધારણા રખાય છે. આ બેઠક પર 2014માં ભાજપનાં પૂનમ માડમ જીત્યાં હતાં. એમની હાજરીમાં જ રીવાબા ભાજપમાં જોડાયાં હતાં.

રીવાબા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે.