Video: દાહોદમાં વંદે ભારત સહિત બે ટ્રેનોને PM મોદી આપી લીલી ઝંડી

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ તેમની ઓપરેશન સિંદૂર પછીની પ્રથમ ગુજરાત મુલાકાત છે, જે દરમિયાન તેઓ રૂ. 82,950 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડોદરામાં તેમના આગમન પર સિંદૂર સન્માન યાત્રા યોજાઈ, જેમાં હજારો નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ યાત્રા દરમિયાન શહીદ જવાનોના પરિવારજનો અને કર્નલ સોફિયા કુરેશીના પરિવારે પણ હાજરી આપી, જે રાષ્ટ્રીય એકતા અને નારીશક્તિનું પ્રતીક બન્યું.

વડાપ્રધાન મોદીએ વડોદરાથી શરૂઆત કરી દાહોદમાં રૂ. 24,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, જેમાં 9000 એચપીનું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન અને રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે. તેમણે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ-દાહોદ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. આ ઉપરાંત, આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર સહિતની રેલ લાઇનનું ડબલિંગ અને સાબરમતી-બોટાદ રેલ લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ થયું. મહીસાગર અને દાહોદના 193 ગામો અને એક શહેરની 4.62 લાખ વસ્તીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા રૂ. 181 કરોડની યોજનાઓનું લોકાર્પણ થયું.

ભુજમાં વડાપ્રધાન રૂ. 53,414 કરોડના 33 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેમાં ખાવડા રિન્યુએબલ એનર્જી ઝોન, કંડલા પોર્ટના પ્રોજેક્ટ્સ અને ગ્રીન હાઈડ્રોજન સુવિધાનો સમાવેશ થાય છે. 27 મેના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ. 5,536 કરોડના પ્રોજેક્ટ્સ, જેમાં 22,055 આવાસો અને સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નો સમાવેશ થાય છે, તેનું ઉદ્ઘાટન થશે. અમદાવાદમાં 18,000 બેડની આઈપીડી સુવિધા અને ગાંધીનગરમાં કાર્ડિયોલોજી સેન્ટરનું ખાતમુહૂર્ત પણ થશે.