વાયબ્રન્ટ સમિટ મારા માટે મજબૂત બોન્ડિંગનું પ્રતીકઃ PM મોદી

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સાયન્સ સિટીમાં વાયબ્રન્ટ ગુજરાતની સફળતાનાં 20 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. આ કાર્યક્રમ વાયબ્રન્ટ સમિટના સફળતાની ફિલ્મ બતાવવામાં આવી છે. વર્ષ 2003માં વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે ગુજરાત વાયબ્રન્ટનું એક નાનું બીજ વાવ્યું હતું, એ આજે વટવૃક્ષ બની ગયું છે, આ એક બ્રાન્ડિંગનું આયોજન નહીં બોન્ડિંગનું આયોજન છે. દુનિયા માટે આ બ્રાન્ડ હોઇ શકે પણ મારા માટે સફળ બોન્ડિંગ છે.

તેમણે કહ્યું હતું કે રાજ્યમાં આ સમિટ પહેલાં રોકાણકારોને ધમકાવવામાં આવતા હતા. ગુજરાતને બદનામ કરવા માટે ષડયંત્ર રચવામાં આવતાં હતાં. વિશ્વ ગુજરાતની સફળતા જોઈ રહી છે.

તેમણે કહ્યું હતું કે ગુજરાતે કેટલાંક સંકટોનો સામનો કર્યો છે. ગુજરાતે ભૂકંપ અને દુકાળનું સંકટ પણ જોયું છે. ગુજરાતે આર્થિક સંકટ પણ સહન કર્યું છે. વાયબ્રન્ટ સમિટ મારા માટે એક મજબૂત બોન્ડિંગનું પ્રતીક છે. એ એ બ્રાન્ડ છે, જે સાત કરોડ ગુજરાતીના સામર્થ્યથી જોડાયેલી છે. આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ સમિટ ઓફ સક્સેસ છે. 300 બિઝનેસ પાર્ટનર સાથે સમિટની સફરની શરૂઆત થઈ હતી. ગિફ્ટ સિટી ધોલેરા જેવા વિશ્વ સ્તરીય પ્રોજેક્ટ વડા પ્રધાને ગુજરાતને આપ્યો છે.

જાપાનના ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાતનાં 20માં વર્ષ બદલ અભિનંદન, મેક ઇન ઇન્ડિયામાં જાપાન પહેલા નંબરે ફાળો આપનાર દેશ છે. કુલ એમઓયુના 70 ટકા જેટલું રોકાણ ગુજરાતમાં થયું છે.