અહીં ‘સભ્ય સાચી’ની થીમ સાથે બિરાજમાન છે દાદા

સમગ્ર દેશ જ્યાં ગણેશમય બન્યો છે ત્યારે આજે વાત કરીએ મધ્ય ગુજરાતના એનઆરઆઈ શહેર આણંદની. જ્યાં બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્ધારા ભવ્ય ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે.

 ભવ્ય ગણેશોત્સવનું આયોજન

દુંદાળા દેવની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે.. ત્યારે  ભાવિકો બાપ્પાની ભક્તિમાં વધુને વધુ  લીન બની રહ્યાં છે. ગુજરાતના ચરોતર પંથકમાં સૌથી ભવ્ય ગણેશોત્સવનું આયોજન આણંદના બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્ધારા કરવામાં આવ્યું છે. અહીં બિરાજમાન ગણપતિ દાદાની જાજરમાન મૂર્તિ જોઈને કોઈ પણ અચંબામાં પડ્યા વગર ન રહી શકે.

આણંદના બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્ધારા છેલ્લા 9 વર્ષથી આ ભવ્ય આયોજન કરવામાં આવે છે. એટલુ જ નહીં 2022માં દાદાના આ પંડાલે આણંદ જીલ્લામાં પ્રથમ સ્થાન પણ પ્રાપ્ત કર્યુ હતુ. આ વર્ષે પણ એટલી જ ભવ્યતાથી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.

દાયકાથી થાય છે આયોજન

બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટના 60 જેટલા યુવાનોનું યુવક મંડળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરે છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્રવિડ રણજીતભાઈ પાસવાન કહે છે કે, અમે છેલ્લા નવ વર્ષથી દાદાના પંડાલનું આયોજન કરીએ છીએ. સૌ સાથે મળીને દસ દિવસ ગણેશમય બનીને બાપ્પાની ભક્તિ કરીએ છીએ. બાપ્પાની આરાધનાની સાથે દસ દિવસ જુદા-જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

સેવાકીય પ્રવૃતિ સાથે બાપ્પાની આરાધના

જ્યારે ટ્રસ્ટના ઉપપ્રમુખ મનન હિંગુ ચિત્રલેખા.કોમને કહે છે, બાપ્પાના મહાઉત્સવ દરમિયાન જુદી જુદી ભક્તિમય શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આ સાથે જ ભજન મંડળની રમઝટ તો ખરી જ. જ્યારે ટ્રસ્ટના મંત્રી જય ભોઈ અને સહમંત્રી ધ્રુવ પટેલ કહે છે. આ દસ દિવસ દરમિયાન અમે સમાજ સેવાના પણ અનેક કાર્યો કરીએ છીએ. જેમાં ગરિબ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવી ઉપરાંત રક્તદાન શિબિરનું પણ આયોજન કરી 75 યુનિટ રક્ત એકત્ર કર્યુ છે.

વિદેશથી આવે છે ભક્તો દર્શને

આ મંડળના 35 સભ્યો એનઆરઆઈ છે. પરંતુ બાપ્પાની આરાધના કરવા દર વર્ષે એક સભ્ય ગણેશોત્સવમાં ખાસ હાજર રહે છે. આ વર્ષે દુંદાળા દેવનો રાજીપો મેળવવા યુએસએથી આવેલા મીત હર્ષદભાઈ પટેલ કહે છે, અમે પહેલેથી જ નક્કી કર્યુ છે કે દર વર્ષે કોઈ એક સભ્યે તો બાપ્પાના દરબારમાં હાજરી પુરાવવાની જ. અન્ય લોકો પણ વિદેશની ધરતી પર રહીને પણ દાદાની આરાધના તો કરતા જ રહે છે.

લાખો રૂપિયાનો છે પંડાલ

બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારા આ વર્ષના આજોન પાછળ અંદાજે 16 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જે ભગવતી ડેકોરેશનના સહયોગથી શક્ય બન્યો છે. દાદાના પંડાલની થીમ વિશે વાત કરીએ તો ‘સભ્ય સાચી’ની થીમ પર આખો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. જે ભવ્યથી ભવ્ય લાગી રહ્યો છે.

સમગ્ર પંથક બને છે ભક્તિમય

આ પંડાલમાં બાપ્પાની સાત ફુટની મૂર્તિ બિરાજમાન છે જે પ્યોર માટીની છે. દર વર્ષે દાદાને વાજતે ગાજતે લાવવામાં આવે છે. અને વિસર્જન પણ ખુબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ પંડાલમાં બિરાજમાન ગણશેજીના દર્શન કરવા આસપાસના ગામના લોકો પણ આવે છે. રાત્રે જાણે સમગ્ર પંથક ભક્તિમય બની ગયુ હોય એવો અહેસાસ અહીં જોવા મળે છે.

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ