ગાંધીની મહાત્મા સુધીની અંતરયાત્રા પરનું નાટક ‘યુગપુરુષ’ હવે ટચૂકડા પડદે

અમદાવાદ: એવોર્ડ વિજેતા નાટક ‘યુગપુરુષ’ 10મી નવેમ્બરે, સવારે 9 કલાકે કલર્સ ટીવી પર સાત ભાષાઓમાં પ્રસારણ થશે. યુગપુરુષ મહાત્મા ગાંધીજી અને તેમના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી સાથેના પ્રગાઢ સંબંધો અને તેઓની મોહનદાસથી મહાત્માં રૂપાંતરણની વણકહી કથા છે.

2019નું વર્ષ સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાના સિદ્ધાંતો આપનાર અને સત્યાગ્રહ જેવા શસ્ત્રથી આઝાદી અપાવી વિશ્વ ઈતિહાસમાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે લખાવનાર આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની 150મી જન્મજયંતીનું વર્ષ છે. તેમના આ સિદ્ધાંતો આજના સમયમાં પણ એટલા જ પ્રસ્તુત છે, અનુકરણીય છે અને જીવનને ઉદ્વગામી બનાવવા સક્ષણ છે.

તેમના સિદ્ધાંતોને ઉજાગર કરતુ નાટક ‘યુગપુરુષ મહાત્માના મહાત્મા’ 10મી નવેમ્બરે સવારે 9 વાગ્યે કલર્સ, કલર્સ મરાઠી, કલર્સ ગુજરાતી, કલર્સ બાંગ્લા, કલર્સ તામિલ, કલર્સ સુપર, કલર્સ ઓડિયા, કલર્સ ઈન્ફિનીટી અને એમટીવી પર તેમજ આ નાટક વૂટ પર 10મી નવેમ્બરે આખો દિવસ જોવા મળશે.

સત્ય, અહિંસા, ધર્મ, સાદગી, સ્વનિર્ભરતા જેવા અનેક મૂલ્યો, જે ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રજી પાસેથી ગ્રહણ કર્યા હતા, તેને પુનર્જીવિત કરવા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે તેના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈની પ્રેરણાથી આ ભવ્ય નાટક ‘યુગપુરુષ મહાત્માના મહાત્મા’નું નિર્માણ કર્યું છે. આ નાટક ટેલિવિઝન પર રજૂ કરવા સિને-પ્લે ફોર્મેટમાં તેના અસલ સંવાદો અને કલાકારો સાથે સાત ભાષાઓમાં ફરીથી બનાવવામાં આવ્યું છે.

‘યુગપુરુષ’ શ્રીમદ્જી અને ગાંધીજીના પ્રગાઢ આધ્યાત્મિક સંબંધની રસમય યશોગાથા દર્શાવતું હ્રદયસ્પર્શી નાટક છે. પોતાના આધ્યાત્મિક માર્ગદર્શકની પ્રેરણા હેઠળ થયેલા ગાંધીજીની આંતરિક તેમ જ બ્રાહ્ય વિકાસયાત્રા આમાં અદભૂત રીતે દર્શાવાઈ છે. બંન્ને મહાત્માઓને શ્રદ્ધાંજલિરૂપ આ નાટકને પ્રેક્ષકોનો અકલ્પનીય પ્રતિસાદ સાંપડ્યો છે.

એક જ વર્ષમાં 7 ભાષાઓમાં, એક સાથે 8 ટીમ દ્વારા, વિશ્વભરમાં 312 સ્થળોએ 1062 નાટ્યપ્રયોગો દ્વારા ‘યુગપુરુષે’ લાખો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રંગભૂમિની દુનિયાનો એક અનોખો ઈતિહાસ સર્જયો છે. તેને શ્રેષ્ઠ નાટકનો ‘દાદાસાહેબ ફાળકે એક્સલન્સ એવોર્ડ 2017’, ટ્રાન્સમીડિયા સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડના શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ સહાયક અભિનેતા એમ ત્રણ પારિતોષિક, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે અલગ એન્ટ્રી પ્રાપ્ત કરી છે. વળી હોલિવુડના ડોલ્બી થિયેટર કે જ્યાં ઓસ્કાર એવોર્ડ સમારંભ યોજાય છે, ત્યાં ભજવાયેલ પ્રથમ ભારતીય નાટકનું શ્રેય યુગપુરુષ ને જાય છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]