વડોદરા: કોરોના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશમાં લોક ડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતના વડોદરા જિલ્લામાં પણ પ્રથમ તબક્કાના લોકડાઉનમાં અટવાયેલા પરપ્રાંતીય શ્રમજીવીઓ માટે કલેકટર શાલિની અગ્રવાલની સૂચનાથી આશ્રય સ્થાન ઊભા કરી તેમાં આશરો આપવામાં આવી રહ્યો છે.
કરજણસ્થિત ભાર્ગવી વિદ્યાલયમાં ઊભા કરવામાં આવેલા આશ્રય સ્થાનનો પણ એમાં સમાવેશ થાય છે. અહીં 106 જેટલા પરપ્રાંતીય શ્રમજીવીઓ આશ્રય લઇ રહયા છે.
આ શ્રમજીવીઓને વહીવટી તંત્ર દ્વારા સવારે ચા, નાસ્તો, બપોરે ચા તેમજ બે ટાઇમ ગરમાગરમ ભોજનની સુચારુ વ્યવસ્થા કરી રહ્યા છે. શ્રમજીવીઓને આજે સવારે ચા સાથે ઉપમાનો નાસ્તો આપવામાં આવ્યો હતો. રોજ સવારે ચા સાથે અલગ નાસ્તો આપવામાં આવે છે. જેને પરિણામે શ્રમજીવીઓ રાહતની લાગણી અનુભવી રહ્યા છે.
આશ્રય સ્થાનને સંપૂર્ણ સેનેટાઇઝ કરવા સાથે શ્રમજીવીઓના આરોગ્યની પણ ચકાસણી મેડિકલ ટીમો દ્વારા કરવામાં આવે છે.