આ લોકોએ બીજા માટે પોતાના ભાગનું રાશન જતું કર્યું

વડોદરા: હાલમાં કોરોના સંદર્ભે ઊભી થયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકારની સૂચનાથી નોન NFSA એ.પી.એલ-૧ ના કાર્ડ ધારકોને વિનામૂલ્યે રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ડોદરા જિલ્લાના ડેસર તાલુકાના 407 એ.પી.એલ-1 ના સુખી સંપન્ન કાર્ડ ધારકોએ જરૂરિયાતમંદોને મદદરૂપ થવા પોતાને મળવા પાત્ર રેશનનો જથ્થો જતો કર્યો છે.

આ લોકોએ કોરોના સામેની લડાઈમાં સરકાર સાથે સહભાગી બની નવો રાહ બતાવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રીએ આ વખતે જેમને જથ્થો મળવાપાત્ર નથી એવા એ.પી.એલ.1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે જથ્થો આપવાની સંવેદના દાખવી હતી. તેની સાથે આ શ્રેણીમાં લાભને પાત્ર હોય પરંતુ સુખી આર્થિક સ્થિતિને કારણે જરૂર ના હોય તેવા કાર્ડ ધારકોને આ લાભ જતો કરવા અપીલ કરી હતી. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે પણ આવો અનુરોધ કર્યો હતો.

ડેસર માં વાજબી ભાવની દુકાનનું સંચાલન કરતા દીપકભાઈ ભાઈએ જણાવ્યું કે મારી દુકાન પરથી રેશન મેળવવાને પાત્ર 280 કાર્ડ ધારકો પૈકી 50 કાર્ડ ધારકો એ સામે ચાલીને ગરીબ પરિવારો માટે રેશન જતુ કર્યું છે. મહત્વનું છે કે, એ.પી.એલ-૧ ના તમામ કાર્ડધારકોને રેશનકાર્ડ દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ચણાદાળ અને ૧ કિલો ખાંડ વિના મુલ્યે આપવામાં આવી રહ્યું છે.

ડેસર તાલુકામાં 5695 એ.પી.એલ.1 રેશન કાર્ડ ધારકો નોધાયા છે. જે પૈકી 407 રેશનકાર્ડ ધારકો એ પોતાને મળવા પાત્ર રેશનનો જથ્થો જતો કર્યો છે.