સો ટકા સલામ કરવા પડે આ કર્મનિષ્ઠ પ્રજારક્ષકોને

અમદાવાદઃ ‘ડર તો સૌને લાગે છે પણ તેને કારણે કંઈ ફરજ છોડીને જવાય નહી. પણ એક વાત એપણ છે કે નિષ્ઠા પૂર્વક અને ડર્યા વિના કામ કરો તો પરિણામ ચોક્કસ મળે છે.”
આ શબ્દો છે દાણીલીમડાના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિક્રાંત વસાવાના..

વાત કંઈક એમ છે કે કોરોનાનુ સંક્રમણ આજે સતત વધતું જઈ રહ્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વ આખું તેના ભરડામાં આવ્યુ છે ત્યારે અમદાવાદમાં લોક ડાઉનનો અમલ કરવામાં પોલીસ તંત્ર ખડેપગે અને ૨૪ કલાક કાર્યરત છે.

શહેરના કોટ વિસ્તારમાં કરફ્યુ નો કડક અમલ, બફરઝોન વિસ્તારમાં અવરજવરને નિયંત્રિત કરવા ઉપરાંત લોકોની સુરક્ષા સાથે સાથે જરૂરિયાત મંદોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની સામાજિક જવાબદારી પણ પોલીસ તંત્ર નિભાવી રહ્યુ છે. શહેરના દાણીલીમડામાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વિક્રમ વસાવા કહે છે કે..’ દાણીલીમડામાં કેટલાક લોકો કોરોનાના પોઝિટિવ જણાયા હતા. કેટલીક માન્યતાઓને પગલે આ લોકો ક્વોરન્ટાઈન થવામાં કે સારવાર કરાવવા માટે કોઈપણ રીતે તૈયાર નહોતા.

આરોગ્યના કર્મચારીઓની અનેકવાર સમજાવટ છતાં તેઓ હોસ્પિટલમાં જવા તૈયાર નહોતા. હવે જો કોઈ એક વ્યક્તિને પોઝિટિવ હોય તો કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શક્યતાઓ અત્યંત વધી જાય તેવી હતી. એક બાજુ બફરઝોનને પગલે લોકોની અવરજવર નિયંત્રિત કરવાની ચિંતા અને એક બાજુ કોરોનાના કેસ ન વધે તેની સામાજિક જવાબદારી પણ ખરી. અત્યંત મૂંઝવણભરી પરિસ્થિતિ હતી” એમ તેઓ કહે છે..

ચોક્કસ વિસ્તારોમાં કોરોનાનો ટેસ્ટ ન કરાવવાની કોરોનાની સારવાર ન લેવાની માનસિકતા જાણે-અજાણે પ્રસરી ગઇ હતી પોલીસ માટે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ હતી તેવામાં કેટલાય પોલીસ અધિકારીઓએ એક સામાજિક જવાબદારીના ભાગરૂપે આ ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી.

વિક્રાંત વસાવા કહે છે કે. મેં પોતે દાણીલીમડામાં જયાં પણ કેસો જણાયા ત્યાં રૂબરૂ જઇને લોકોને સારવાર માટે દાખલ થવા સમજાવ્યા. કયાંક કુરાનની આયાતોની વાત કરી અને ક્યાંક પરિવાર ભાવની વાત કરી. ક્યાંક એક કેસ પરિવારના અન્ય લોકો માટે પણ જોખમી બની શકે છે તેવી પણ વાત કરી. જોકે અમે અંતે આ લોકોને હોસ્પિટલમાં દાખલ થવા માટે સમજાવવામાં સફળ રહ્યા.”

અમદાવાદ મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસને શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરાવવાની કામગીરી ખૂબ સારી રીતે હાથ ધરી અને કોમ્યુનિટી સંક્રમણને વધતુ અટકાવવામાં સફળતા પણ મળી.

વિક્રાંત વસાવા કહે છે કે ‘આ બધી કામગીરીમાં મને પણ અચાનક એક દિવસ સામાન્ય ખાંસી આવી. જો કે મારી શારીરિક પ્રકૃતિ પણ એવી છે કે સિઝન બદલાય એટલે ખાંસી આવે. હું પણ એક પરિવારનો હિસ્સો છું એટલે મને પણ એક બીક પેસી ગઈ કે કદાચ મને તો પોઝીટીવ લક્ષણો તો નહીં હોયને. પણ એવા કોઈ પણ બહાના હેઠળ ઘેર રહેવાને બદલે હું સતત સાત દિવસ પોલીસ સ્ટેશનમાં જ રહ્યો. જો કે પોલીસ સ્ટેશનમાં પણ મેં સાવચેતીના તમામ પગલા લીધા. સારી વાત એ છે મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો અને નેગેટિવ રિપોર્ટ આવ્યો એનો મને આનંદ છે…

વાચક મિત્રો હકીકતમાં જોવા જઈએ તો આ તો માત્ર સામે આવેલુ એક માત્ર ઉદાહરણ છે. શહેરના અનેક પોલીસ સ્ટેશનોમાં કે અન્ય સરકારી કચેરીઓમાં આવા તો અને કિસ્સાઓ છે પણ સરકારી તંત્રએ આ મહામારીનો સામનો કરવામાં અને લોકોને બચાવવામાં પરિવારની ચિંતા કર્યા વિના પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. સલામ છે આવા અધિકારીઓ કર્મચારીઓ ને.