અમદાવાદનો અટલબ્રિજ માત્ર ગુજરાત પુરતો જ નહીં પરંતુ દેશભરમાં જાણીતો બન્યો છે. ત્યારે આ ઉનાળા વેકેશન દરમિયાન અટલબ્રિજ જોવા આવનારી સંખ્યામાં પણ સતત વધારો થયો છે. જેના કારણે સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને રૂપિયા 1.50 કરોડની આવક થઇ છે.
નોંધનીય છે કે અમદાવાદીઓ માટે કાંકરીયા પછી સૌથી ગમતા સ્પોર્ટ તરીકે અટલ બ્રિજનું નામ આવે છે. સાબરમતી નદી પર બનાવામાં આવેલા આઈકોનિક અટલબ્રિજ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉનાળાના વેકેશનના સમયગાળા દરમિયાન અટલ ફૂટ ઓવરબ્રિજ લોકો માટે ફરવા લાયક સ્થળ બની ગયું હતું છેલ્લા બે મહિનામાં 5 લાખ મુલાકાતીઓએ આ બ્રિજની મુલાકાત લીધી હતી. જેમાં મે મહિનામાં સૌથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા. જ્યારે 4 જૂન વેકેશનનો અંતિમ રવિવાર હોવાના કારણે અંદાજે 20 હજાર લોકોએ અટલબ્રિજની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં અટલબ્રિજ જોવાનો સમય સવારે નવ કલાકથી રાત્રીના નવ સુધીનો હોય છે. પરંતુ વેકેશનનો સમય હોવાના કારણે બ્રિજ રાતના 11 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રાખવામાં આવતો હતો. છેલ્લા ત્રણ મહિનામાં અટલફૂટ ઓવરબ્રિજ અને ફ્લાવર પાર્કમાં પાંચ લાખ જેટલા લોકો આવ્યા હતા જેમાં સૌથી વધારે મે મહિનામાં કુલ 2,64,932 મુલાકાતીઓ અટલબ્રિજ પર આવ્યા હતા. ઉનાળુ વેકેશન હોવાના કારણે અટલબ્રિજ પર રોજના આશરે સાત હજાર જેટલા મુલાકાતીઓ નોંધાયા હતા. જયારે ઉનાળાના વેકેશન દરમિયાન દર રવિવારે 12000થી 15000 જેટલા મુલાકાતીઓ અટલ ફૂટ ઓવરબ્રિજ જોવા આવતા હતા.
નોંધનીય છે કે 31 ઓગસ્ટ 2022એ અટલબ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારથી લઇને 31 મે,2023 સુધી એટલે કે નવ મહિના દરમિયાન 26,36, 412 લોકોએ અટલબ્રિજની મુલાકાત લીધી છે. જ્યારે જૂનના પ્રથમ ચાર દિવસની વાત કરીએ તો 46 હજારથી પણ વધુ મુલાકાતીઓ નોંધાયા છે. આમ અમદાવાદનો અટલબ્રિજ લોકોમાં લોકપ્રિય બન્યો છે.