અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું ઉદઘાટન; પતંગપર્વમાં 45 દેશોનાં પતંગબાજો સામેલ થયાં છે

અમદાવાદ – ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 30મા વાર્ષિક આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો આજે અહીં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આરંભ કરાવ્યો છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પતંગોત્સવ NID પાછળ આવેલા ગ્રાઉન્ડમાં 14મી જાન્યુઆરી સુધી ચાલશે. રૂપાણીએ કહ્યું કે પતંગોત્સવ હવે ગુજરાતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ તરીકે પ્રસ્થાપિત થઇ ગયો છે.

ગુજરાતની વિકાસ પતંગ પણ જન સહયોગથી વધુ ને વધુ નવી વિશ્વ ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે ઉતરાયણનું પર્વ આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિ અને પર્યાવરણની ઉપાસનાનું પર્વ છે તેને પતંગપર્વથી આપણે  વધુ સંવર્ધિત કર્યું છે.

વર્ષના પ્રારંભે જાન્યુઆરી મહિનો ગુજરાત માટે ઉત્સવ, ઉમંગની વાયબ્રન્સીનો મહિનો છે તેની ભૂમિકા આપતાં રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ મેરેથોન દોડ, પતંગોત્સવ અને આ વર્ષે વિશેષ આકર્ષણ રૂપે વાયબ્રન્ટ સમિટ દરમ્યાન દુબઈ શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની પણ છણાવટ કરી હતી.

આ ઉત્સવો ગરીબો અને શ્રમજીવીઓ માટે આર્થિક ઉન્નતિના આધાર બન્યા છે તેમ પણ એમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલ કોહલીએ કહ્યું હતું કે પતંગોત્સવ વિકાસ સાથે પ્રકૃતિ-પૂજાનો સંદેશ આપે. પતંગોત્સવ આપણને શીતકાળની આળસ ખંખેરી નવી ઉર્જાનો સંચાર કરવા પ્રેરે છે.  વિદેશમાં રહેતા લોકોને પણ પોતાના મૂળ તરફ પરત ફરવા આ તહેવાર પ્રેરણા આપે છે. આ પતંગોત્સવ સ્વસ્થ પ્રતિસ્પર્ધાની ઉર્જાનો સંચાર કરે છે ત્યારે એકતા ધરાવતા આપણાં સમાજમાં સૌ સાથે મળીને વિકાસ માટે આપણાં ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે.

કોહલીએ વધુમાં જણાવ્યું કે, ઉત્તરાયણનો આ ઉત્સવ પતંગ-દોરી, પવન-સૂર્યની જેમ એક-મેકને સાથે મળીને આપણને સૌને આગળ, પતંગની જેમ નવી ઉંચાઇ આંબવાની પ્રેરણા આપે છે.

રાજ્યપાલ અને મુખ્યપ્રધાને આ અવસરે ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ કોફી ટેબલ બુકનું વિમોચન પણ કર્યું હતું.

આ પ્રસંગે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ સંચાલિત સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ અને આંતરરાષ્ટ્રીય ઈન્સ્ટીટ્યુટ વચ્ચે સ્ટુડન્ટ સ્ટડી એક્સચેન્જના લેટર ઓફ ઈન્ટેન્ટ  પણ હસ્તાક્ષર કરીને આદાન – પ્રદાન થયું હતું.

આ પતંગોત્સવમાં ૪૫ દેશોના અને ભારતના વિવિધ ૧૩ રાજ્યોના તેમજ ગુજરાતના ૧૯ શહેરોના ૫૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની પોતાના પતંગની આગવી ઓળખ સાથેની પરેડ-માર્ચ પાસ્ટ પણ યોજવામાં આવી હતી.

અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન પટેલે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ કલા, સંસ્કૃતિ અને પરંપરાથી ધબકતી રહી છે. ભારતીયોના જીવનમાં તહેવારોનું મહાત્મ્ય પ્રકૃતિ  સાથે વણાયેલું રહ્યું છે. કશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તરાયણ પર્વની ભારે ઉમંગ સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓના સેવા વસ્તી વસાહતના ૨૦૦૦ બાળકોએ આ પ્રસંગે યોગ નિદર્શન દ્વારા સૂર્યોપાસના કરી હતી.

પતંગોત્સવના આ અવસરે રાજ્યના પ્રધાનો કૌશિક પટેલ, ઇશ્વરસિંહ પટેલ, સંસદસભ્ય ડૉ. કીરીટભાઈ સોલંકી, ધારાસભ્યો અરવિંદભાઇ પટેલ, જગદીશભાઇ પંચાલ, રાકેશભાઈ શાહ, પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર, પ્રવાસન વિભાગના એમ.ડી. શ્રી જેનુ દેવન, યુવક સેવા વિભાગના કમિશ્નર સતિષ પટેલ, કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી એ.એમ. બાબુ, વિવિધ દેશોના હાઇકમિશનરો-પ્રતિનિધિઓ સહિત ઉત્સવપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)